________________
શ્રીમદ્ રાજચંદ્ર
૧ ૨ ૨
૧૨૧ જ્ઞાનીપુરુષના આશ્રયમાં વિરોધ કરનારા પંચવિષયાદિ દોષો છે. તે દોષ થવાનાં સાધનથી જેમ બને તેમ દૂર રહેવું, અને પ્રાપ્તસાધનમાં પણ ઉદાસીનતા રાખવી, અથવા તે તે સાધનોમાંથી અહંબુદ્ધિ છોડી દઈ, રોગરૂપ જાણી પ્રવર્તવું ઘટે. અનાદિ દોષનો એવા પ્રસંગમાં વિશેષ ઉદય થાય છે. કેમકે આત્મા તે દોષને છેદવા પોતાની સન્મુખ લાવે છે કે, તે સ્વરૂપાંતર કરી તેને આકર્ષે છે, અને જાગૃતિમાં શિથિલ કરી નાંખી પોતાને વિષે એકાગ્રબુદ્ધિ કરાવી દે છે. તે એકાગ્રબુદ્ધિ એવા પ્રકારની હોય છે કે, “મને આ પ્રવૃત્તિથી તેવો વિશેષ બાધ નહીં થાય, હું અનુક્રમે તેને છોડીશ; અને કરતાં જાગૃત રહીશ;' એ આદિ ભ્રાંતદશા તે દોષ કરે છે; જેથી તે દોષનો સંબંધ જીવ છોડતો નથી, અથવા તે દોષ વધે છે, તેનો લક્ષ તેને આવી શકતો નથી.