________________
૧૨૮
શ્રીમદ્ રાજચંદ્ર
૧૨૮ ઉત્કૃષ્ટ સંપત્તિનાં ઠેકાણાં જે ચક્રવર્યાદિ પદ તે સર્વ અનિત્ય દેખીને વિચારવાન પુરુષો તેને છોડીને ચાલી નીકળ્યા છે; અથવા પ્રારબ્ધોદયે વાસ થયો તોપણ અમૂછિતપણે અને ઉદાસીનપણે તેને પ્રારબ્ધોદય સમજીને વર્યા છે; અને ત્યાગનો લક્ષ રાખ્યો છે.
૧ ૨૯
મુમુક્ષુ જીવન એટલે વિચારવાન જીવને આ સંસારને વિષે અજ્ઞાન સિવાય બીજો કોઈ ભય હોય નહીં. એક અજ્ઞાનની નિવૃત્તિ ઇચ્છવી એ રૂપ જે ઇચ્છા તે સિવાય વિચારવાન જીવને બીજી ઈચ્છા હોય નહીં, અને પૂર્વકર્મના બળે તેવો કોઈ ઉદય હોય તોપણ વિચારવાનના ચિત્તમાં સંસાર કારાગૃહ છે, સમસ્ત લોક દુઃખે કરી આર્ત છે, ભયાકુળ છે, રાગદ્વેષનાં પ્રાપ્ત ફળથી બળતો છે, એવો વિચાર નિશ્ચયરૂપ જ વર્તે છે; અને જ્ઞાનપ્રાપ્તિનો કંઈ અંતરાય છે, માટે તે કારાગૃહરૂપ સંસાર મને ભયનો હેતુ છે અને લોકનો પ્રસંગ કરવા યોગ્ય નથી, એ જ એક ભય વિચારવાનને ઘટે છે.