________________
શ્રીમદ્ રાજચંદ્ર
૧૩૦
૧૩૧ સંસાર સ્પષ્ટ પ્રીતિથી કરવાની ઇચ્છા થતી હોય તો તે પુરુષે જ્ઞાનીનાં વચન સાંભળ્યાં નથી; અથવા જ્ઞાનીપુરુષનાં દર્શન પણ તેણે કર્યા નથી, એમ તીર્થકર કહે છે. જેની કેડનો ભંગ થયો છે, તેનું પ્રાયે બધું બળ પરિક્ષીણપણાને ભજે છે. જેને જ્ઞાનીપુરુષનાં વચનરૂપ લાકડીનો પ્રહાર થયો છે તે પુરુષને વિષે તે પ્રકારે સંસાર સંબંધી બળ હોય છે, એમ તીર્થકર કહે છે.
૧૩૨ હે જીવ, ભૂલ મા, તને સત્ય કહું છું. * સુખ અંતરમાં છે; તે બહાર શોધવાથી નહીં મળે.
અંતરનું સુખ અંતરની સ્થિતિમાં છે; સ્થિતિ થવા માટે બાહ્ય પદાર્થો સંબંધીનું આશ્ચર્ય ભૂલ. સ્થિતિ રહેવી બહુ વિકટ છે; નિમિત્તાધીન ફરી ફરી વૃત્તિ ચલિત થઈ જાય છે. એનો દઢ ઉપયોગ રાખવો જોઈએ. એ ક્રમ યથાયોગ્ય ચલાવ્યો આવીશ તો તું મૂંઝાઈશ નહીં, નિર્ભય થઈશ. હે જીવ! તું ભૂલ મા. વખતે વખતે ઉપયોગ ચૂકી કોઈને રંજન કરવામાં, કોઈથી રંજન થવામાં, વા મનની નિર્બળતાને લીધે અન્ય પાસે મંદ થઈ જાય છે, એ ભૂલ થાય છે. તે ન કર.