________________
૧૧૩
ઔષધ જે ભવરોગનાં
૧૧૨ અવશ્ય આ જીવે પ્રથમ સર્વ સાધનને ગૌણ જાણી, નિર્વાણનો મુખ્ય હેતુ એવો સત્સંગ જ સર્વાર્પણપણે ઉપાસવો યોગ્ય છે; કે જેથી સર્વ સાધન સુલભ થાય છે, એવો અમારો આત્મસાક્ષાત્કાર છે. તે સત્સંગ પ્રાપ્ત થયે જો આ જીવને કલ્યાણ પ્રાપ્ત ન થાય તો અવશ્ય આ જીવનો જ વાંક છે; કેમકે તે સત્સંગના અપૂર્વ, અલભ્ય, અત્યંત દુર્લભ એવા યોગમાં પણ તેણે તે સત્સંગના યોગને બાધ કરનાર એવાં માઠાં કારણોનો ત્યાગ ન કર્યો! મિથ્યાગ્રહ, સ્વચ્છંદપણું, પ્રમાદ અને ઈદ્રિયવિષયથી ઉપેક્ષા ન કરી હોય તો જ સત્સંગ ફળવાન થાય નહીં, અથવા સત્સંગમાં એકનિષ્ઠા, અપૂર્વભક્તિ આણી ન હોય તો ફળવાન થાય નહીં. જો એક એવી અપૂર્વભક્તિથી સત્સંગની ઉપાસના કરી હોય તો અલ્પ કાળમાં મિથ્યાગ્રહાદિ નાશ પામે, અને અનુક્રમે સર્વ દોષથી જીવ મુક્ત થાય.