________________
શ્રીમદ્ રાજચંદ્ર
૧૧૬
૧૧૫ વિષયાદિ ઇચ્છિત પદાર્થ ભોગવી તેથી નિવૃત્ત થવાની ઇચ્છા રાખવી અને તે ક્રમે પ્રવર્તવાથી આગળ પર તે વિષયમૂચ્છ ઉત્પન્ન થવી ન સંભવે એમ થવું કઠણ છે, કેમકે જ્ઞાનદશા વિના વિષયનું નિર્મળપણું થવું સંભવતું નથી. માત્ર ઉદય વિષયો ભોગવ્યાથી નાશ થાય, પણ જો જ્ઞાનદશા ન હોય તો ઉત્સુક પરિણામ, વિષય આરાધતાં ઉત્પન્ન થયા વિના ન રહે; અને તેથી વિષય પરાજિત થવાને બદલે વિશેષ વર્ધમાન થાય. જેને જ્ઞાનદશા છે તેવા પુરુષો વિષયાકાંક્ષાથી અથવા વિષયનો અનુભવ કરી તેથી વિરક્ત થવાની ઇચ્છાથી તેમાં પ્રવર્તતા નથી, અને એમ જો પ્રવર્તવા જાય તો જ્ઞાનને પણ આવરણ આવવા યોગ્ય છે. માત્ર પ્રારબ્ધ સંબંધી ઉદય હોય એટલે છૂટી ન શકાય તેથી જ જ્ઞાનીપુરુષની ભોગપ્રવૃત્તિ છે. તે પણ પૂર્વપશ્ચાત્ પશ્ચાત્તાપવાળી અને મંદમાં મંદ પરિણામસંયુક્ત હોય છે. સામાન્ય મુમુક્ષુ જીવ વૈરાગ્યના ઉદ્ભવને અર્થે વિષય આરાધવા જતાં તો ઘણું કરી બંધાવા સંભવ છે, કેમકે જ્ઞાનીપુરુષ પણ તે પ્રસંગોને માંડ માંડ જીતી શક્યા છે, તો જેની માત્ર વિચારદશા છે, એવા પુરુષનો ભાર નથી કે તે વિષયને એવા પ્રકારે જીતી શકે.