________________
ઔષધ જે ભવરોગનાં
૭૪
કોઈ પણ પ્રકારે પ્રથમ તો જીવનું પોતાપણું ટાળવા યોગ્ય છે. દેહાભિમાન ગલિત થયું છે જેનું, તેને સર્વ સુખરૂપ જ છે. જેને ભેદ નથી તેને ખેદ સંભવતો નથી. હરિઇચ્છા પ્રત્યે વિશ્વાસ દૃઢ રાખી વર્તો છો, એ પણ સાપેક્ષ સુખરૂપ છે.
૭૫
આત્માપણે કેવળ ઉજાગર અવસ્થા વર્તે, અર્થાત્ આત્મા પોતાના સ્વરૂપને વિષે કેવળ જાગ્રત હોય ત્યારે તેને કેવળજ્ઞાન વર્તે છે એમ કહેવું યોગ્ય છે, એવો શ્રી તીર્થંકરનો આશય છે. આત્મા' જે પદાર્થને તીર્થંકરે કહ્યો છે, તે જ પદાર્થની તે જ સ્વરૂપે પ્રતીતિ થાય, તે જ પરિણામે આત્મા સાક્ષાત્ ભાસે ત્યારે તેને પરમાર્થસમ્યકત્વ છે, એવો શ્રી તીર્થકરનો અભિપ્રાય છે. એવું સ્વરૂપ જેને ભાસ્યું છે તેવા પુરુષને વિષે નિષ્કામ શ્રદ્ધા છે જેને, તે પુરુષને બીજરૂચિસમ્યકત્વ છે. તેવા પુરુષની નિષ્કામ ભક્તિ અબાધાએ પ્રાપ્ત થાય, એવા ગુણો જે જીવમાં હોય તે જીવ માર્ગાનુસારી હોય; એમ જિન કહે છે.