________________
શ્રીમદ્ રાજચંદ્ર
૧૦૦
૧૦૧ સર્વસંગપરિત્યાગ કરીને ચાલી નીકળ્યાથી પણ જીવ ઉપાધિરહિત થતો નથી, કેમકે જ્યાં સુધી અંતરપરિણતિ પર દૃષ્ટિ ન થાય અને તથારૂપ માર્ગે ન પ્રવર્તાય ત્યાં સુધી સર્વસંગપરિત્યાગ પણ નામ માત્ર થાય છે; અને તેવા અવસરમાં પણ અંતર પરિણતિ પર દૃષ્ટિ દેવાનું ભાન જીવને આવવું કઠણ છે, તો પછી આવા ગૃહવ્યવહારને વિષે લૌકિક અભિનિવેશપૂર્વક રહી અંતરપરિણતિ પર દૃષ્ટિ દેવાનું બનવું કેટલું દુસાધ્ય હોવું જોઈએ તે વિચારવા યોગ્ય છે. વળી તેવા વ્યવહારમાં રહી જીવે અંતરપરિણતિ પર કેટલું બળ રાખવું જોઈએ તે પણ વિચારવા યોગ્ય છે, અને અવશ્ય તેમ કરવા યોગ્ય છે.
૧૦૨ લોક સમુદાય કોઈ ભલો થવાનો નથી, અથવા સ્તુતિનિંદાના પ્રયત્નાર્થે આ દેહની પ્રવૃત્તિ તે વિચારવાનને કર્તવ્ય નથી. બાહ્યક્રિયાના અંતર્મુખવૃત્તિ વગરના વિધિનિષેધમાં કંઈ પણ વાસ્તવ્ય કલ્યાણ રહ્યું નથી. ગચ્છાદિ ભેદને નિર્વાહવામાં, નાના પ્રકારના વિકલ્પો સિદ્ધ કરવામાં આત્માને આવરણ કરવા બરાબર છે. અનેકાંતિક માર્ગ પણ સમ્યક્ એકાંત એવા નિજપદની પ્રાપ્તિ કરાવવા સિવાય બીજા અન્ય હેતુએ ઉપકારી નથી.