________________
૧૦૭
ઔષધ જે ભવરોગનાં
વળી જેનું મુખ કોઈ કાળે પણ નહીં જાઉં; જેને કોઈ કાળે હું ગ્રહણ નહીં જ કરું; તેને ઘેર પુત્રપણે, સ્ત્રીપણે, દાસપણે, દાસીપણે, નાના જંતુપણે શા માટે જન્મ્યો? અર્થાત્ એવા દ્વેષથી એવા રૂપે જન્મવું પડ્યું! અને તેમ કરવાની તો ઇચ્છા નહોતી! કહો એ સ્મરણ થતાં આ ક્લેશિત આત્મા પરત્વે જુગુપ્સા નહીં આવતી હોય? અર્થાત્ આવે છે. વધારે શું કહેવું?
જે જે પૂર્વનાં ભવાંતરે ભ્રાંતિપણે ભ્રમણ કર્યું; તેનું સ્મરણ થતાં હવે કેમ જીવવું એ ચિંતના થઈ પડી છે. ફરી ન જ જન્મવું અને ફરી એમ ન જ કરવું એવું દૃઢત્વ આત્મામાં પ્રકાશે છે.
પણ કેટલીક નિરુપાયતા છે ત્યાં કેમ કરવું? જે દઢતા છે તે પૂર્ણ કરવી; જરૂર પૂર્ણ પડવી એ જ રટણ છે, પણ જે કંઈ આડું આવે છે, તે કોરે કરવું પડે છે, અર્થાત્ ખસેડવું પડે છે, અને તેમાં કાળ જાય છે. જીવન ચાલ્યું જાય છે, એને ન જવા દેવું, જ્યાં સુધી યથાયોગ્ય જય ન થાય ત્યાં સુધી, એમ દઢતા છે તેનું કેમ કરવું?