________________
૧૧૦
શ્રીમદ્ રાજચંદ્ર વ્યાધિરહિત શરીર હોય તેવા સમયમાં જીવે જો તેનાથી પોતાનું જુદાપણું જાણી, તેનું અનિત્યાદિ સ્વરૂપ જાણી, તે પ્રત્યેથી મોહ-મમત્વાદિ ત્યાગ્યાં હોય, તો તે મોટું શ્રેય છે; તથાપિ તેમ ન બન્યું હોય તો કંઈ પણ વ્યાધિ ઉત્પન્ન થયે તેવી ભાવના ભાવતાં જીવને નિશ્ચળ એવું ઘણું કરી કર્મબંધન થતું નથી; અને મહાવ્યાધિના ઉત્પત્તિકાળે તો દેહનું મમત્વ જીવે જરૂર ત્યાગી જ્ઞાનીપુરુષના માર્ગની વિચારણાએ વર્તવું, એ રૂડો ઉપાય છે. જોકે દેહનું તેવું મમત્વ ત્યાગવું કે ઓછું કરવું એ મહા દુષ્કર વાત છે, તથાપિ જેનો તેમ કરવા નિશ્ચય છે, તે વહેલે મોડે ફળીભૂત થાય છે.