________________
શ્રીમદ્ રાજચંદ્ર
૧૦૬
૧૦૮ અંતર્ગાનથી સ્મરણ કરતાં એવો કોઈ કાળ જણાતો નથી વા સાંભરતો નથી કે જે કાળમાં, જે સમયમાં આ જીવે પરિભ્રમણ ન કર્યું હોય, સંકલ્પ-વિકલ્પનું રટણ ન કર્યું હોય, અને એ વડે “સમાધિ' ન ભૂલ્યો હોય. નિરંતર એ સ્મરણ રહ્યા કરે છે, અને એ મહા વૈરાગ્યને આપે છે. વળી સ્મરણ થાય છે કે એ પરિભ્રમણ કેવળ સ્વચ્છેદથી કરતાં જીવને ઉદાસીનતા કેમ ન આવી? બીજા જીવો પરત્વે ક્રોધ કરતાં, માન કરતાં, માયા કરતાં, લોભ કરતાં કે અન્યથા કરતાં તે મુઠું છે એમ યથાયોગ્ય કાં ન જાણ્યું? અર્થાત્ એમ જાણવું જોઈતું હતું, છતાં ન જાણું એ વળી ફરી પરિભ્રમણ કરવાનો વૈરાગ્ય આપે છે. વળી સ્મરણ થાય છે કે જેના વિના એક પળ પણ હું નહીં જીવી શકું એવા કેટલાક પદાર્થો (સ્ત્રીઆદિક) તે અનંત વાર છોડતાં, તેનો વિયોગ થયાં અનંત કાળ પણ થઈ ગયો; તથાપિ તેના વિના જિવાયું એ કંઈ થોડું આશ્ચર્યકારક નથી. અર્થાત્ જે જે વેળા તેવો પ્રીતિભાવ કર્યો હતો તે તે વેળા તે કલ્પિત હતો. એવો પ્રતિભાવ કાં થયો? એ ફરી ફરી વૈરાગ્ય આપે છે.