________________
શ્રીમદ્ રાજચંદ્ર
૯૮
પૂર્વે થઈ ગયેલા મોટા પુરુષનું ચિંતન કલ્યાણકારક છે; તથાપિ સ્વરૂપસ્થિતિનું કારણ હોઈ શકતું નથી; કારણ કે જીવે શું કરવું તે તેવા સ્મરણથી નથી સમજાતું. પ્રત્યક્ષ જોગે વગર સમજાવ્યું પણ સ્વરૂપસ્થિતિ થવી સંભવિત માનીએ છીએ, અને તેથી એમ નિશ્ચય થાય છે કે તે જોગનું અને તે પ્રત્યક્ષ ચિંતનનું ફળ મોક્ષ હોય છે. કારણ કે મૂર્તિમાન મોક્ષ તે સપુરુષ છે.
૯૮ કોઈ પણ જીવને અવિનાશી દેહની પ્રાપ્તિ થઈ એમ દીઠું નથી, જાણ્યું નથી તથા સંભવતું નથી; અને મૃત્યુનું આવવું અવશ્ય છે, એવો પ્રત્યક્ષ નિઃસંશય અનુભવ છે, તેમ છતાં પણ આ જીવ તે વાત ફરી ફરી ભૂલી જાય છે એ મોટું આશ્ચર્ય છે. જે સર્વજ્ઞ વીતરાગને વિષે અનંત સિદ્ધિઓ પ્રગટી હતી તે વીતરાગે પણ આ દેહને અનિત્યભાવી દીઠો છે, તો પછી બીજા જીવો કયા પ્રયોગે દેહને નિત્ય કરી શકશે?