________________
ઔષધ જે ભવરોગનાં
૯૧ જ્ઞાનીપુરુષના સમાગમનો અંતરાય રહેતો હોય, તે તે પ્રસંગમાં વારંવાર તે જ્ઞાની પુરુષની દશા, ચેષ્ટા અને વચનો નીરખવા, સંભારવા અને વિચારવા યોગ્ય છે. વળી તે સમાગમના અંતરાયમાં, પ્રવૃત્તિના પ્રસંગોમાં, અત્યંત સાવધાનપણું રાખવું ઘટે છે; કારણ કે એક તો સમાગમનું બળ નથી, અને બીજો અનાદિ અભ્યાસ છે જેનો, એવી સહજાકાર પ્રવૃત્તિ છે; જેથી જીવ આવરણપ્રાપ્ત હોય છે. ઘરનું, જ્ઞાતિનું, કે બીજાં તેવાં કામોનું કારણ પડ્યું ઉદાસીનભાવે પ્રતિબંધરૂપ જાણી પ્રવર્તન ઘટે છે. તે કારણોને મુખ્ય કરી કોઈ પ્રવર્તન કરવું ઘટતું નથી; અને એમ થયા વિના પ્રવૃત્તિનો અવકાશ પ્રાપ્ત થાય નહીં.