________________
શ્રીમદ્ રાજચંદ્ર
૯૦
૯૦ કલ્યાણને વિષે પ્રતિબંધરૂપ જે જે કારણો છે, તે જીવે વારંવાર વિચારવા ઘટે છે; તે તે કારણોને વારંવાર વિચારી મટાડવાં ઘટે છે; અને એ માર્ગને અનુસર્યા વિના કલ્યાણની પ્રાપ્તિ ઘટતી નથી. મળ, વિક્ષેપ અને અજ્ઞાન એ અનાદિના જીવના ત્રણ દોષ છે. જ્ઞાનીપુરુષોનાં વચનની પ્રાપ્તિ થયે, તેનો યથાયોગ્ય વિચાર થવાથી, અજ્ઞાનની નિવૃત્તિ હોય છે.. તે અજ્ઞાનની સંતતિ બળવાન હોવાથી તેનો રોધ થવાને અર્થે અને જ્ઞાનીપુરુષનાં વચનોનો યથાયોગ્ય વિચાર થવાને અર્થે, મળ અને વિક્ષેપ મટાડવાં ઘટે છે. સરળપણું, ક્ષમા, પોતાના દોષનું જોવું, અલ્પારંભ, અલ્પપરિગ્રહ એ આદિ મળ મટવાનાં સાધન છે. જ્ઞાનીપુરુષની અત્યંત ભક્તિ તે વિક્ષેપ મટવાનું સાધન છે.