________________
શ્રીમદ્ રાજચંદ્ર
૯૨
૯૨
હવે એવો નિશ્ચય કરવો ઘટે છે, કે જેને આત્મસ્વરૂપ પ્રાપ્ત છે, પ્રગટ છે, તે પુરુષ વિના બીજો કોઈ તે આત્મસ્વરૂપ યથાર્થ કહેવા યોગ્ય નથી; અને તે પુરુષથી આત્મા જાણ્યા વિના બીજો કોઈ કલ્યાણનો ઉપાય નથી. તે પુરુષથી આત્મા જાણ્યા વિના આત્મા જાણ્યો છે, એવી કલ્પના મુમુક્ષુ જીવે સર્વથા ત્યાગ કરવી ઘટે છે. તે આત્મારૂપ પુરુષના સત્સંગની નિરંતર કામના રાખી ઉદાસીનપણે લોકધર્મસંબંધી અને કર્મસંબંધી પરિણામે છૂટી શકાય એવી રીતે વ્યવહાર કરવો; જે વ્યવહાર કર્યામાં જીવને પોતાની મહત્તાદિની ઇચ્છા હોય તે વ્યવહાર કરવો યથાયોગ્ય નથી.