________________
શ્રીમદ્ રાજચંદ્ર
૯૪ ઓ દુષમકાળના દુર્ભાગી જીવો! ભૂતકાળની ભ્રમણાને છોડીને વર્તમાન વિદ્યમાન એવા મહાવીરને શરણે આવો એટલે તમારું શ્રેય જ છે. સંસારના તાપથી ત્રાસ પામેલા અને કર્મબંધનથી મુક્ત થવા ઇચ્છતા પરમાર્થપ્રેમી જિજ્ઞાસુ જીવોની ત્રિવિધ તાપાગ્નિને શાંત કરવાને અમે અમૃતસાગર છીએ. મુમુક્ષુ જીવોનું કલ્યાણ કરવાને માટે અમે કલ્પવૃક્ષ જ છીએ. વધારે શું કહેવું? આ વિષમકાળમાં પરમ શાંતિના ધામરૂપ અમે બીજા શ્રી રામ અથવા શ્રી મહાવીર જ છીએ, કેમકે અમે પરમાત્મસ્વરૂપ થયા છીએ.
આ અંતર અનુભવ પરમાત્મપણાની માન્યતાના - અભિમાનથી ઉદ્ભવેલો લખ્યો નથી, પણ કર્મબંધનથી દુઃખી થતા જગતના જીવોની પરમ કારુણ્યવૃત્તિ થવાથી તેમનું કલ્યાણ કરવાની તથા તેમનો ઉદ્ધાર કરવાની નિષ્કારણ કરુણા એ જ આ હૃદયચિતાર પ્રદર્શિત કરવાની પ્રેરણા કરે છે. ૐ શ્રી મહાવીર (અંગત)