________________
૭૯
ઔષધ જે ભવરોગનાં
અમારા ચિત્તમાં તો એમ આવે છે કે, મુમુક્ષુ જીવને આ કાળને વિષે સંસારની પ્રતિકૂળ દશાઓ પ્રાપ્ત થવી તે તેને સંસારથી તરવા બરાબર છે. અનંતકાળથી અભ્યાસેલો એવો આ સંસાર સ્પષ્ટ વિચારવાનો વખત પ્રતિકૂળ પ્રસંગે વિશેષ હોય છે, એ વાત નિશ્ચય કરવા યોગ્ય છે. સાધારણ પ્રતિકૂળ પ્રસંગ બન્યો છે તેમાં મુઝાવું ઘટતું નથી. એ પ્રસંગ જો સમતાએ વેદવામાં આવે તો જીવન નિર્વાણ સમીપનું સાધન છે. વ્યાવહારિક પ્રસંગોનું નિત્ય ચિત્રવિચિત્રપણું છે. માત્ર કલ્પનાએ તેમાં સુખ અને કલ્પનાએ દુઃખ એવી તેની સ્થિતિ છે. અનુકૂળ કલ્પનાએ તે અનુકૂળ ભાસે છે; પ્રતિકૂળ કલ્પનાએ તે પ્રતિકૂળ ભાસે છે; અને જ્ઞાની પુરુષોએ તે બેય કલ્પના કરવાની ના કહી છે. અને તે કરવી ઘટતી નથી. વિચારવાનને શોક ઘટે નહીં, એમ શ્રી તીર્થંકર કહેતા હતા.