________________
ઔષધ જે ભવરોગનાં
૮૦
સમસ્ત સંસારી જીવો કર્મવશાત્ શાતા-અશાતાનો ઉદય અનુભવ્યા જ કરે છે. જેમાં મુખ્યપણે તો અશાતાનો જ ઉદય અનુભવાય છે. ક્વચિત્ અથવા કોઈક દેહસંયોગમાં શાતાનો ઉદય અધિક અનુભવાતો જણાય છે, પણ વસ્તુતાએ ત્યાં પણ અંતરદાહ બળ્યા જ કરતો હોય છે. પૂર્ણ જ્ઞાની પણ જે અશાતાનું વર્ણન કરી શકવા યોગ્ય વચનયોગ ધરાવતા નથી, તેવી અનંત અનંત અશાતા આ જીવે ભોગવી છે, અને જો હજુ તેનાં કારણોનો નાશ કરવામાં ન આવે તો ભોગવવી પડે એ સુનિશ્ચિત છે, એમ જાણી વિચારવાન ઉત્તમ પુરુષો તે અંતરદાહરૂપ શાતા અને બાહ્યાભ્યતર સંક્લેશઅગ્નિરૂપે પ્રજ્વલિત એવી અશાતાનો આત્યંતિક વિયોગ કરવાનો માર્ગ ગવેષવા તત્પર થયા, અને તે સન્માર્ગ ગવેષી, પ્રતીત કરી, તેને યથાયોગ્યપણે આરાધી, અવ્યાબાધ સુખસ્વરૂપ એવા આત્માના સહજ શુદ્ધ સ્વભાવરૂપ પરમપદમાં લીન થયા.