________________
૭૫
ઔષધ જે ભવરોગનાં
૭૩
પરમાત્મા અને આત્માનું એકરૂપ થઈ જવું (!) તે પરાભક્તિની છેવટની હદ છે. એક એ જ લય રહેવી તે પરાભક્તિ છે. પરમહાલ્યા ગોપાંગનાઓ મહાત્મા વાસુદેવની ભક્તિમાં એ જ પ્રકારે રહી હતી; પરમાત્માને નિરંજન અને નિર્દેહરૂપે ચિંતવ્ય જીવને એ લય આવવી વિકટ છે, એટલા માટે જેને પરમાત્માનો સાક્ષાત્કાર થયો છે, એવો દેહધારી પરમાત્મા તે પરાભક્તિનું પરમ કારણ છે. તે જ્ઞાનીપુરુષનાં સર્વ ચરિત્રમાં ઐક્યભાવનો લક્ષ થવાથી તેના હૃદયમાં વિરાજમાન પરમાત્માનો ઐક્યભાવ હોય છે; અને એ જ પરાભક્તિ છે. જ્ઞાની પુરુષ અને પરમાત્મામાં અંતર જ નથી; અને જે કોઈ અંતર માને છે, તેને માર્ગની પ્રાપ્તિ પરમ વિકટ છે. જ્ઞાની તો પરમાત્મા જ છે; અને તેના ઓળખાણ વિના પરમાત્માની પ્રાપ્તિ થઈ નથી; માટે સર્વ પ્રકારે ભક્તિ કરવા યોગ્ય એવી દેહધારી દિવ્ય મૂર્તિ –જ્ઞાનીરૂપ પરમાત્માની–ને નમસ્કારાદિ ભક્તિથી માંડી પરાભક્તિના અંત સુધી એક લયે આરાધવી, એવો શાસ્ત્રલક્ષ છે.