________________
૫૭
ઔષધ જે ભવરોગનાં
પપ
પરમાર્થમાર્ગનું લક્ષણ એ છે કે અપરમાર્થને ભજતાં જીવ બધા પ્રકારે કાયર થયા કરે, સુખે અથવા દુઃખે. દુઃખમાં કાયરપણું કદાપિ બીજા જીવોનું પણ સંભવે છે, પણ સંસારસુખની પ્રાપ્તિમાં પણ કાયરપણું, તે સુખનું અણગમવાપણું, નીરસપણું પરમાર્થમાર્ગી પુરુષને હોય છે. તેવું નીરસપણું જીવન પરમાર્થજ્ઞાને અથવા પરમાર્થજ્ઞાની-પુરુષના નિશ્ચયે થવું સંભવે છે; બીજા પ્રકારે થવું સંભવતું નથી. પરમાર્થજ્ઞાને અપરમાર્થરૂપ એવો આ સંસાર જાણી પછી તે પ્રત્યે તીવ્ર એવો ક્રોધ, માન, માયા કે લોભ કોણ કરે? કે ક્યાંથી થાય? જે વસ્તુનું માહાભ્ય દૃષ્ટિમાંથી ગયું તે વસ્તુને અર્થે અત્યંત ક્લેશ થતો નથી. સંસારને વિષે ભાંતિપણે જાણેલું સુખ તે પરમાર્થજ્ઞાને ભાંતિ જ ભાસે છે, અને જેને ભાંતિ ભાસી છે તેને પછી તેનું માહાભ્ય શું લાગે? એવી માહાભ્યદૃષ્ટિ પરમાર્થજ્ઞાનીપુરુષના નિશ્ચયવાળા જીવને હોય છે, તેનું કારણ પણ એ જ છે.