________________
શ્રીમદ્ રાજચંદ્ર
૫૮
૬૦
કેવળ અંતર્મુખ થવાનો સત્પુરુષોનો માર્ગ સર્વદુઃખક્ષયનો ઉપાય છે, પણ તે કોઈક જીવને સમજાય છે. મહત્ પુણ્યના યોગથી, વિશુદ્ધ મતિથી, તીવ્ર વૈરાગ્યથી અને સત્પુરુષના સમાગમથી તે ઉપાય સમજાવા યોગ્ય છે. તે સમજવાનો અવસ૨ એકમાત્ર આ મનુષ્યદેહ છે. તે પણ અનિયતકાળના ભયથી ગૃહીત છે; ત્યાં પ્રમાદ થાય છે, એ ખેદ અને આશ્ચર્ય છે.
૫૯
જે પુરુષની જ્ઞાનદશા સ્થિર રહેવા યોગ્ય છે, એવા જ્ઞાનીપુરુષને પણ સંસારપ્રસંગનો ઉદય હોય તો જાગૃતપણે પ્રવર્તવું ઘટે છે, એમ વીતરાગે કહ્યું છે, તે અન્યથા નથી;
અને આપણે સૌએ જાગૃતપણે પ્રવર્તવું કરવામાં કંઈ શિથિલતા રાખીએ તો તે સંસા૨પ્રસંગથી બાધ થતાં વાર ન લાગે, એવો ઉપદેશ એ વચનોથી આત્મામાં પરિણામી કરવા યોગ્ય છે, એમાં સંશય ઘટતો નથી. પ્રસંગની સાવ નિવૃત્તિ અશક્ય થતી હોય તો પ્રસંગ સંક્ષેપ કરવો ઘટે, અને ક્રમે કરીને સાવ નિવૃત્તિરૂપ પરિણામ આણવું ઘટે, એ મુમુક્ષુ પુરુષનો ભૂમિકાધર્મ છે. સત્સંગ, સત્શાસ્ત્રના યોગથી તે ધર્મનું આરાધન વિશેષે કરી સંભવે છે.