________________
૭૧
৩০
ઔષધ જે ભવરોગનાં
સ્વપ્નેય જેને સંસારસુખની ઇચ્છા રહી નથી, અને સંપૂર્ણ નિઃસારભૂત જેને સંસારનું સ્વરૂપ ભાસ્યું છે,
એવા જ્ઞાનીપુરુષ પણ વારંવાર આત્માવસ્થા સંભાળી સંભાળીને ઉદય હોય તે પ્રારબ્ધ વેદે છે, પણ આત્માવસ્થાને વિષે પ્રમાદ થવા દેતા નથી. પ્રમાદના અવકાશ યોગે જ્ઞાનીને પણ અંશે વ્યામોહ થવાનો સંભવ જે સંસારથી કહ્યો છે, તે સંસારમાં સાધારણ જીવે રહીને તેનો વ્યવસાય લૌકિકભાવે કરીને આત્મહિત ઇચ્છવું એ નહીં બનવા જેવું જ કાર્ય છે; કેમકે લૌકિકભાવ આડે આત્માને નિવૃત્તિ જ્યાં નથી આવતી, ત્યાં હિતવિચારણા બીજી રીતે થવી સંભવતી નથી. એકની નિવૃત્તિ તો બીજાનું પરિણામ થવું સંભવે છે. અહિતહેતુ એવો સંસારસંબંધી પ્રસંગ, લૌકિકભાવ, લોકચેષ્ટા એ સૌની સંભાળ જેમ બને તેમ જતી કરીને, તેને સંક્ષેપીને આત્મહિતને અવકાશ આપવો ઘટે છે.