________________
શ્રીમદ્ રાજચંદ્ર
૬૧ આત્મહિત માટે સત્સંગ જેવું બળવાન બીજું નિમિત્ત કોઈ જણાતું નથી, છતાં તે સત્સંગ પણ, જે જીવ લૌકિકભાવથી અવકાશ લેતો નથી તેને, પ્રાયે નિષ્ફળ જાય છે, અને સહેજ સત્સંગ ફળવાન થયો હોય તો પણ વિશેષ વિશેષ લોકાવેશ રહેતો હોય તો તે ફળ નિર્મુળ થઈ જતાં વાર લાગતી નથી; અને સ્ત્રી, પુત્ર, આરંભ, પરિગ્રહના પ્રસંગમાંથી જો નિજબુદ્ધિ છોડવાનો પ્રયાસ કરવામાં ન આવે તો સંત્સગ ફળવાન થવાનો સંભવ શી રીતે બને? જે પ્રસંગમાં મહા જ્ઞાની પુરુષો સંભાળીને ચાલે છે, તેમાં આ જીવે તો અત્યંત અત્યંત સંભાળથી, સંક્ષેપીને ચાલવું, એ વાત ન જ ભૂલવા જેવી છે એમ નિશ્ચય કરી, પ્રસંગે પ્રસંગે, કાર્યું કાર્યો અને પરિણામે પરિણામે તેનો લક્ષ રાખી તેથી મોકળું થવાય તેમ જ કર્યા કરવું.