________________
શ્રીમદ્ રાજચંદ્ર
વૃત્તિનો લક્ષ તથારૂપ સર્વસંગપરિત્યાગ પ્રત્યે વર્તતો છતાં જે મુમુક્ષુને પ્રારબ્ધવિશેષથી તે યોગનો અનુદય રહ્યા કરે, અને કુટુંબાદિનો પ્રસંગ તથા આજીવિકાદિ કારણે પ્રવૃત્તિ રહે, જે યથાન્યાયથી કરવી પડે, પણ તે ત્યાગના ઉદયને પ્રતિબંધક જાણી સખેદપણે કરે તે મુમુક્ષુએ પૂર્વોપાર્જિત શુભાશુભ કર્માનુસાર આજીવિકાદિ પ્રાપ્ત થશે એમ વિચારી માત્ર નિમિત્તરૂપ પ્રયત્ન કરવું ઘટે, પણ ભયાકુળ થઈ ચિંતા કે ન્યાય ત્યાગ કરવાં ન ઘટે, કેમકે તે તો માત્ર વ્યામોહ છે; એ શમાવવા યોગ્ય છે. પ્રાપ્તિ શુભાશુભ પ્રારબ્ધાનુસાર છે. પ્રયત્ન વ્યાવહારિક નિમિત્ત છે, એટલે કરવું ઘટે, પણ ચિંતા તો માત્ર આત્મગુણરોધક છે.