________________
૫૯
ઔષધ જે ભવરોગનાં
પ૭ યથાર્થ જોઈએ તો શરીર એ જ વેદનાની મૂર્તિ છે. સમયે સમયે જીવ તે દ્વારાએ વેદના જ વેદે છે.
ક્વચિત્ શાતા અને પ્રાયે અશાતા જ વેદે છે. માનસિક અશાતાનું મુખ્યપણું છતાં તે સૂક્ષ્મ સમ્યગ્દષ્ટિવાનને જણાય છે. શારીરિક અશાતાનું મુખ્યપણું સ્થૂળ દૃષ્ટિવાનને પણ જણાય છે. જે વેદના પૂર્વે સુદઢ બંધથી જીવે બંધન કરી છે, તે વેદના ઉદય સંપ્રાપ્ત થતાં ઈન્દ્ર, ચંદ્ર, નાગેન્દ્ર કે જિનેન્દ્ર પણ રોકવાને સમર્થ નથી. તેનો ઉદય જીવે વેદવો જ જોઈએ. અજ્ઞાનદૃષ્ટિ જીવો ખેદથી વેદ તોપણ કંઈ તે વેદના ઘટતી નથી કે જતી રહેતી નથી. સત્યદૃષ્ટિવાન જીવો શાંત ભાવે વેદે તો તેથી તે વેદના વધી જતી નથી, પણ નવીન બંધનો હેતુ થતી નથી. પૂર્વની બળવાન નિર્જરા થાય છે. આત્માર્થીને એ જ કર્તવ્ય છે. હું શરીર નથી, પણ તેથી ભિન્ન એવો જ્ઞાયક આત્મા છું, તેમ નિત્ય શાશ્વત છું. આ વેદના માત્ર પૂર્વ કર્મની છે, પણ મારું સ્વરૂપ નાશ કરવાને તે સમર્થ નથી, માટે મારે ખેદ કર્તવ્ય જ નથી' એમ આત્માર્થીનું અનુપ્રેક્ષણ હોય છે.