________________
૫૫
ઔષધ જે ભવરોગનાં
પ૩ જે કોઈ જીવ દુઃખની નિવૃત્તિ ઈચ્છતો હોય, સર્વથા દુઃખથી મુક્તપણે તેને પ્રાપ્ત કરવું હોય તેને એ જ એક માર્ગ આરાધ્યા સિવાય અન્ય બીજો કોઈ ઉપાય નથી. માટે જીવે સર્વ પ્રકારનાં મતમતાંતરનો, કુળધર્મનો, લોકસંજ્ઞારૂપ ધર્મનો, ઓઘસંજ્ઞારૂપ ધર્મનો ઉદાસભાવ ભજી એક આત્મવિચાર કર્તવ્યરૂપ ધર્મ ભજવો યોગ્ય છે. એક મોટી નિશ્ચયની વાર્તા તો મુમુક્ષુ જીવે એ જ કરવી યોગ્ય છે કે સત્સંગ જેવું કલ્યાણનું કોઈ બળવાન કારણ નથી, અને તે સત્સંગમાં નિરંતર સમય સમય નિવાસ ઈચ્છવો, અસત્સંગનું ક્ષણે ક્ષણે વિપરિણામ વિચારવું, એ શ્રેયરૂપ છે. બહુ બહુ કરીને આ વાર્તા અનુભવમાં આણવા જેવી છે.