________________
શ્રીમદ્ રાજચંદ્ર
૫૪
પર જિનાગમ છે તે ઉપશમસ્વરૂપ છે. ઉપશમસ્વરૂપ એવા પુરુષોએ ઉપશમને અર્થે તે પ્રરૂપ્યાં છે, ઉપદેશ્યાં છે. તે ઉપશમ આત્માર્થે છે, અન્ય કોઈ પ્રયોજન અર્થે નથી. આત્માર્થમાં જો તેનું આરાધન કરવામાં ન આવ્યું, તો તે જિનાગમનું શ્રવણ, વાંચન નિષ્ફળરૂપ છે; એ વાર્તા અમને તો નિઃસંદેહ યથાર્થ લાગે છે. દુઃખની નિવૃત્તિને સર્વ જીવ ઇચ્છે છે, અને દુઃખની નિવૃત્તિ દુઃખ જેનાથી જન્મ પામે છે એવા રાગ, - દ્વેષ અને અજ્ઞાનાદિ દોષની નિવૃત્તિ થયા વિના, થવી સંભવતી નથી. તે રાગાદિની નિવૃત્તિ એક આત્મજ્ઞાન સિવાય બીજા કોઈ પ્રકારે ભૂતકાળમાં થઈ નથી, વર્તમાનકાળમાં થતી નથી, ભવિષ્યકાળમાં થઈ શકે તેમ નથી. એમ સર્વ જ્ઞાની પુરુષોને ભાસ્યું છે. માટે તે આત્મજ્ઞાન જીવને પ્રયોજનરૂપ છે. તેનો સર્વશ્રેષ્ઠ ઉપાય સદ્ગુરુવચનનું શ્રવણવું કે સન્શાસ્ત્રનું વિચારવું એ છે.