________________
શ્રીમદ્ રાજચંદ્ર
૩૨.
વિશેષ કાળની માંદગી વિના, યુવાન અવસ્થામાં અકસ્માત્ દેહ છોડવાનું બન્યાથી સામાન્યપણે ઓળખતા માણસોને પણ તે વાતથી ખેદ થયા વિના ન રહે, તો પછી જેણે કુટુંબાદિ સંબંધસ્નેહ મૂછ કરી હોય, સહવાસમાં વસ્યા હોય, તે પ્રત્યે કંઈ આશ્રયભાવના રાખી હોય, તેને ખેદ થયા વિના કેમ રહે? આ સંસારમાં મનુષ્યપ્રાણીને જે ખેદના અકથ્ય પ્રસંગો પ્રાપ્ત થાય છે, તે અકથ્ય પ્રસંગમાંનો એક આ મોટો ખેદકારક પ્રસંગ છે. તે પ્રસંગમાં યથાર્થ વિચારવાન પુરુષો સિવાય સર્વ પ્રાણી ખેદવિશેષને પ્રાપ્ત થાય છે, અને - યથાર્થ વિચારવાન પુરુષોને વૈરાગ્યવિશેષ થાય છે, સંસારનું અશરણપણું, અનિત્યપણું, અને અસારપણું વિશેષ દૃઢ થાય છે. વિચારવાન પુરુષોને તે ખેદકારક પ્રસંગનો મૂછભાવે ખેદ કરવો તે માત્ર કર્મબંધનો હેતુ ભાસે છે, અને વૈરાગ્યરૂપ ખેદથી કર્મસંગની નિવૃત્તિ ભાસે છે, અને તે સત્ય છે. મૂછભાવે ખેદ કર્યાથી પણ જે સંબંધીનો વિયોગ થયો છે, તેની પ્રાપ્તિ થતી નથી, અને જે મૂછ થાય છે તે પણ અવિચારદશાનું ફળ છે, એમ વિચારી વિચારવાન પુરુષો તે મૂછભાવ પ્રત્યયી ખેદને શમાવે છે, અથવા ઘણું કરીને તેવો ખેદ તેમને થતો નથી.