________________
શ્રીમદ્ રાજચંદ્ર
૧૮
સુધર્માસ્વામી જંબુસ્વામીને ઉપદેશ છે કે જગત આખાનું જેણે દર્શન કર્યું છે, એવા મહાવીર ભગવાન, તેણે આમ અમને કહ્યું છે :ગુરુને આધીન થઈ વર્તતા એવા અનંત પુરુષો માર્ગ પામીને મોક્ષ પ્રાપ્ત થયા. એક આ સ્થળે નહીં પણ સર્વ સ્થળે અને સર્વ શાસ્ત્રમાં એ જ વાત કહેવાનો લક્ષ છે.
आणाए धम्मो आणाए तवो । આજ્ઞાનું આરાધન એ જ ધર્મ અને આજ્ઞાનું આરાધન એ જ તપ. (આચારાંગ સૂત્ર) સર્વ સ્થળે એ જ મોટા પુરુષોનો કહેવાનો લક્ષ છે, એ લક્ષ જીવને સમજાયો નથી. તેના કારણમાં સર્વથી પ્રધાન એવું કારણ સ્વચ્છંદ છે અને જેણે સ્વચ્છંદને મંદ કર્યો છે, એવા પુરુષને પ્રતિબદ્ધતા (લોકસંબંધી બંધન, સ્વજનકુટુંબ બંધન, દેહાભિમાનરૂપ બંધન, સંકલ્પવિકલ્પરૂપ બંધન) એ બંધન ટળવાનો સર્વોત્તમ ઉપાય જે કંઈ છે તે આ ઉપરથી વિચારો. એ માર્ગે જો કંઈ યોગ્યતા લાવશો તો ઉપશમ ગમે ત્યાંથી પણ મળશે. ઉપશમ મળે અને જેની આજ્ઞાનું આરાધન કરીએ એવા પુરુષનો ખોજ રાખજો. બાકી બીજાં બધાં સાધન પછી કરવા યોગ્ય છે.