________________
૨૩
ઔષધ જે ભવરોગનાં
૨૧ સંસારના પ્રસંગોમાં ક્વચિત્ જ્યાં સુધી આપણને અનુકૂળ એવું થયા કરે છે, ત્યાં સુધી તે સંસારનું સ્વરૂપ વિચારી ત્યાગજોગ છે, એવું પ્રાયે હૃદયમાં આવવું દુર્લભ છે. તે સંસારમાં જ્યારે ઘણા ઘણા પ્રતિકૂળ પ્રસંગોની પ્રાપ્તિ થાય છે, તે વખતે પણ જીવને પ્રથમ તે ન ગમતો થઈ પછી વૈરાગ્ય આવે છે; પછી આત્મસાધનની કંઈ સૂઝ પડે છે; અને પરમાત્મા શ્રીકૃષ્ણના વચન પ્રમાણે મુમુક્ષુ જીવને તે તે પ્રસંગો સુખદાયક માનવા ઘટે છે, કે જે પ્રસંગને કારણે આત્મસાધન સૂઝે છે. અમુક વખત સુધી અનુકૂળપ્રસંગી સંસારમાં કદાપિ સત્સંગનો જોગ થયો હોય તોપણ આ કાળમાં તે વડે વૈરાગ્યનું યથાસ્થિત વેદન થવું દુર્લભ છે; પણ ત્યાર પછી પ્રતિકૂળ પ્રતિકૂળ કોઈ કોઈ પ્રસંગ બન્યા કર્યા હોય તો તેને વિચારે, તેને વિમાસણે સત્સંગ હિતકારક થઈ આવે છે; એવું જાણી જે કંઈ પ્રતિકૂળ પ્રસંગની પ્રાપ્તિ થાય તે આત્મસાધનના કારણરૂપે માની સમાધિ રાખી ઉજાગર રહેવું.