________________
શ્રીમદ્ રાજચંદ્ર
૨૬
૨૪
જીવને સત્પુરુષનો યોગ થયે તો એવી ભાવના થાય કે અત્યાર સુધી જે મારાં પ્રયત્ન કલ્યાણને અર્થે હતાં તે સૌ નિષ્ફળ હતાં, લક્ષ વગરનાં બાણની પેઠે હતાં, પણ હવે સત્પુરુષનો અપૂર્વ યોગ થયો છે, તો મારાં સર્વ સાધન સફળ થવાનો હેતુ છે. લોકપ્રસંગમાં રહીને જે નિષ્ફળ, નિર્લક્ષ સાધન કર્યાં તે પ્રકારે હવે સત્પુરુષને યોગે ન કરતાં જરૂર અંતરાત્મામાં વિચારીને દૃઢ પરિણામ રાખીને, જીવે આ યોગને, વચનને વિષે જાગૃત થવા યોગ્ય છે, જાગૃત રહેવા યોગ્ય છે; અને તે તે પ્રકાર ભાવી, જીવને દૃઢ કરવો કે જેથી તેને પ્રાપ્ત જોગ ‘અફળ’ ન જાય, અને સર્વ પ્રકારે એ જ બળ આત્મામાં વર્ધમાન કરવું, કે આ યોગથી જીવને અપૂર્વ ફળ થવા યોગ્ય છે, તેમાં અંતરાય કરનાર હું જાણું છું, એ મારું અભિમાન,
કુળધર્મને અને કરતા આવ્યા છીએ તે ક્રિયાને કેમ ત્યાગી શકાય એવો લોકભય,
સત્પુરુષની ભક્તિ આદિને વિષે પણ લૌકિકભાવ, અને કદાપિ કોઈ પંચવિષયાકાર એવાં કર્મ જ્ઞાનીને ઉદયમાં દેખી તેવો ભાવ પોતે આરાધવાપણું એ આદિ પ્રકાર છે.'