Book Title: Atmsiddhi Mahabhashya Part 02
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
કર્મનો આ વ્યાપાર ત્રણ ભાગમાં વિભકત થઈ જાય છે. વર્તમાન જે યોગની ક્રિયા છે, તે પણ કર્મ છે અને આ કર્મના કારણે ઉત્પન્ન થતાં બંધ સ્વરૂપ જે કર્મે છે તે સત્તા રૂપે જીવાત્મા સાથે જોડાય છે તે પણ કર્મ છે અને આ કર્મ જયારે પરિપકવ થઈ વિપાકરૂપે ફળ આપે છે, તે પણ કર્મ છે. આમ કર્મનું વિભકત સ્વરૂપ કૃષ્ટિગત થાય છે. કર્મના બે સ્વરૂપ જણાય છે, એક ક્રિયાત્મક કર્મ અને એક ભોગાત્મક કર્મ. અસ્તુ.
કર્મની આટલી સ્પષ્ટતા કર્યા પછી શાસ્ત્રોમાં કર્મના સ્વરૂપને નજરઅંદાજ રાખી તેના શુભાશુભ તત્ત્વનો વિચાર કરી કર્મની કેટલીક અવસ્થાઓ પ્રગટ કરવામાં આવી છે. સત્કર્મ, અપકર્મ, વિકર્મ, નિષ્કર્મ અને વ્યર્થકર્મ, સકામકર્મ વગેરે અલગ-અલગ ધર્મના શાસ્ત્રોમાં ભિન્ન-ભિન્ન રૂપે કર્મ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે પરંતુ બધામાં એક સામ્યયોગ તો છે જ. કોઈપણ પ્રકારના શુભાશુભ વ્યાપારને કર્મ કહેવામાં આવ્યું છે.
અહીં શાસ્ત્રકારે કહ્યું છે કે “છે કર્તા નિજકર્મ અર્થાત્ પોતાના કર્મનો કર્તા પોતે છે. નિજ કર્મનો કર્તા હોવા છતાં અન્ય કોઈ કર્મ કરે, તો તેમાં તે નિમિત્ત પણ બને છે. કારણ કે જૈનશાસ્ત્રોમાં કર્મ ત્રણ પ્રકારના કરણ રૂપે પ્રણત થાય છે. કરવું–કરાવવું અને અનુમોદવું. જ્યારે તે કર્મ કરાવે છે ત્યારે આંશિક રૂપે બીજાના કર્મનો કર્તા બને છે અને એ જ રીતે અન્યના કર્મને અનુમોદન કરવાથી પણ તે કર્મનો ભાગીદાર થઈ જાય છે પરંતુ અહીં શાસ્ત્રકારે નિજ કર્મનો કર્તા' એમ કહીને ત્રણેય પ્રકારના કર્મને આટોપી લીધા છે. અર્થાત્ કરવું તે તો એક કર્મ છે જ અને કરાવવું તે પણ જીવનું એક કર્મ છે અને અનુમોદન આપવું, તે પણ જીવનું જ કર્મ છે. અપેક્ષાકૃત તે બીજાના કર્મ હોવા છતાં હકીકતમાં તે પોતે ત્રણેય પ્રકારના કર્મનો કર્તા છે. કૃત–કારિત અને અનુમોદિત, તે ત્રણેય ભાવને જીવ પોતે પોતાનામાં ઘટિત કરે છે, આ રીતે જીવ નિજ કર્મનો કર્તા બને છે. શાસ્ત્રકાર એમ કહેવા માંગતા નથી કે અન્ય કોઈપણ ક્રિયામાં અથવા બીજા કોઈના કર્મમાં ભાગીદાર નથી, તે બાબતની ચર્ચા કર્યા વિના આત્મતત્ત્વની સ્થાપના કરવી છે અને તેમાં કર્મનું કર્તૃત્ત્વ છે તે બતાવવું તે એક માત્ર લક્ષ છે. કર્મ જ્યારે ઉદયમાન અવસ્થામાં આવે છે, ત્યારે ક્રિયાત્મક રૂપમાંથી ભોગાત્મક અવસ્થામાં આવે છે એટલે આગળ ચાલીને અહીં ત્રીજા પદમાં કહેવામાં આવ્યું છે કે “છે ભોકતા વળી” આ રીતે ગુજરાતી શૈલીમાં કર્મનું ભોગાત્મક રૂપ પણ સ્થાપિત કર્યું છે અહીં બે મોટા પક્ષ છે જેનું નિરાકરણ કરવા માટે છે વળી ભોકતા” એ પદ મૂકયું છે.
છે ભોકતા વળી.... ભોકતાપણું અને કર્મનું કર્તાપણું એ આત્માનો મૂળભૂત સ્વભાવ નથી. હકીકતમાં આત્મા અકર્તા અને અભોકતા છે પરંતુ આ પદમાં જીવની વર્તમાન સાંસારિકદશાનું અવધારણ કરવામાં આવ્યું છે કારણ કે જીવાત્મા સ્વયં દુઃખથી મુકત થવા માંગે છે. દુઃખ પણ જીવનો અસ્વાભાવિક સાંસારિક ગુણધર્મ છે પરંતુ જીવ પ્રત્યક્ષ દુઃખનો અનુભવ કરે છે. આ દુઃખના કારણ રૂપ જે તત્ત્વ છે તે કર્મ છે. કારણ ઉપર દૃષ્ટિ નાંખ્યા વિના દુઃખ તોડવાનો ઉપાય કરે, તો તે પાણીમાં વલોણા કરવા જેવું છે. અહીં કવિશ્રી કારણોનું ઉદ્ઘાટન કરતા જીવ અને કર્મ, બન્નેના સંબંધનો ઉલ્લેખ કરે છે. કર્મના બે પાસા છે (૧) કર્મબંધ અને (૨) કર્મઉદય.
SSSSSSSSSSSSSSSSSSSSS
(૬).