Book Title: Atmsiddhi Mahabhashya Part 02
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
છે કર્તા નિજ કર્મ : શાસ્ત્રકાર કહેવા માંગે છે કે હે ભાઈ ! તારા કર્મનો કર્તા તું છો, ઈશ્વર કે બહારની પ્રકૃતિ સ્વયં કર્મ કરાવે છે, એમ કહીને પરાધીનતા સ્વીકારી, કર્તૃત્વના પાપથી બચી જવા માટે કે બીજી કોઈ અન્ય રીતે હું કર્મથી મુકત નહિ થઈ શકે તેવા વિચારોનું પોષણ કરીશ તો કર્મજાળમાં જ રમતો રહી જઈશ. આ વાતનો વિરોધ કરી શાસ્ત્રકાર કહે છે કે નિજ કર્મની જવાબદારીથી તું મુકત રહી શકીશ નહિ અને જો સ્વયં તું તારા કર્મનો કર્તા છો, તો તે કર્મને છોડવાનો પણ પ્રયાસ તારામાં જ થઈ શકે છે અને કર્મનો કર્તા મટીને તું અકર્તા પણ થઈ શકે છે. ટૂંકમાં “
નિજ' શબ્દ મૂકીને શાસ્ત્રકારે ઈશ્વરવાદ કે પ્રકૃતિવાદ કે નાસ્તિકવાદથી પ્રવર્તમાન વિચારોનો પરિહાર કર્યો છે અને સ્પષ્ટ કર્યું છે કે આત્મા પોતે પોતાના કર્મનો જવાબદાર છે. આ રીતે નિજ' શબ્દ ઘણો જ ભાવપૂર્વક લખેલો છે.
અભ્યાસીએ એ ન ભૂલવું જોઈએ કે પોતે પોતાના કર્મનો કર્તા સદાને માટે છે એમ નથી. જ્યાં સુધી કર્મ છે અને કર્મનો બંધ પડે છે, ત્યાં સુધી જ કર્મ છે અને તેટલા કર્મનો કર્તા તે જીવાત્મા છે. આ પદની અંદર અંતિમ શબ્દ કર્મ છે. કર્મ શબ્દ ઘણો જ વિચારણીય છે. કર્મ કોને કહેવા ? તે પ્રશ્ન સામાન્ય રીતે સમજાય તેવો શબ્દ છે. પરંતુ શાસ્ત્રીયવૃષ્ટિએ કે દાર્શનિકવૃષ્ટિએ કર્મ શબ્દ ઘણો જ મહત્ત્વપૂર્ણ બની ગયો છે. વ્યવહારમાં આપણે બોલીએ છીએ કે માણસ પોતાના કર્મ કરે છે. અર્થાત્ કામ કરે છે. કામ કરવાના અર્થમાં “કર્મ વપરાય છે. આવી રીતે કર્મ શબ્દ સામાન્ય હોવા છતાં જૈનદર્શનમાં કર્મગ્રંથ જેવા મહાન ગ્રંથની રચના થઈ છે અને ગીતામાં કર્મયોગની સ્થાપના કરવામાં આવી છે. ધર્મ અને અધર્મનો જે કાંઈ નિર્ણય થાય છે, તે કર્મના આધારે થાય છે. આટલી ભૂમિકા કર્યા પછી આપણે કર્મનું બાહ્ય અને આંતર સ્વરૂપ નિહાળશું, ત્યારે ખ્યાલ આવશે કે કર્મ શબ્દ કેટલો સૂક્ષ્મ અને વ્યાપક છે, જીવાત્મા જયારે અનંત સંસારથી મુકત થાય છે, ત્યારે છેલ્લી ઘડી સુધી પણ કર્મ પોતાનું અસ્તિત્વ રાખી અંતે નિષ્કર્મ બની જીવાત્માને વિદાય આપે છે અને છેલ્લી સલામ કરે છે. જીવ એકેન્દ્રિયાદિ અજ્ઞાન અવસ્થાથી લઈ મુકિતમાં પ્રવેશ ન કરે ત્યાં સુધી જીવની સાથે કર્મ સાંગોપાંગ વણાયેલા છે. સૂક્ષ્મ અને સ્થૂળ આંતર અને બાહ્ય, દ્રવ્ય અને ભાવે, આ કર્મ જે રંગોળી પૂરે છે તે ખરેખર અટપટો ખેલ છે.
કર્મનું સ્વરૂપ : કર્મ એક પ્રાકૃતિક શકિત છે. આમ તો બધા દ્રવ્યો કે પદાર્થો ક્રિયાશીલ છે. આ ક્રિયા માત્ર એક પ્રકારનું કર્મ છે પરંતુ અહીં આવો સામાન્ય અર્થ ન લેતાં કર્મનો એક વિશેષ અર્થ ગ્રહણ કરવામાં આવ્યો છે. જીવ જ્યારે ઉત્પન્ન થાય છે, ત્યારે તેને એક—બે કે ત્રણ યોગમાંથી કોઈપણ યોગની અર્થાત્ કાયા–વચન કે મનની ઉપલબ્ધિ થાય છે. આ ઉપલબ્ધિને યોગ કહે છે. યોગનો અધિષ્ઠાતા જીવાત્મા છે. યોગની રચના પૌદ્ગલિક છે પરંતુ જ્યારે જીવ સાથે આ યોગાત્મક પગલો જોડાય છે, ત્યારે તે સજીવ અથવા સચેત બને છે. જીવ અને પગલનું સ્વતંત્ર અસ્તિત્વ હોવા છતાં જયારે બન્નેનો યોગ બને છે, ત્યારે એક સંયુકત વ્યાપાર શરૂ થાય છે. આ વ્યાપારમાં જીવાત્મા ઈચ્છાપૂર્વક પણ વ્યાપાર કરે છે અથવા ભૂતકાલીન સંસ્કારજન્ય સંજ્ઞાથી પણ વ્યાપાર કરે છે. જે આ વ્યાપાર શરૂ થાય છે, તેને શાસ્ત્રીય ભાષામાં કર્મ કહેવાય છે. કર્મ એટલે યોગની ક્રિયાશીલતા. કર્મ એટલે યોગનો વ્યાપાર, કર્મ એટલે જેનું કાંઈ પરિણામ છે એવી યોગજન્ય ક્રિયા.
SSSSSSSSSS (૫) ISLINKS