Book Title: Atmsiddhi Mahabhashya Part 02
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
કક્ષામાં ભકિત કહેવાય છે અને તેનાથી પણ ઉચ્ચ પ્રેમ તે ઈશ્વરીય અવસ્થા છે, તેમ ગણાય છે. આથી સમજાય છે કે આત્મદ્રવ્ય શું છે ? સંક્ષેપમાં આટલી ટૂંકી વ્યાખ્યા કર્યા પછી શાસ્ત્રકારના આ ગાથાના પ્રથમ પદનો સ્પર્શ કરીએ.
આત્મા છે : નાસ્તિક દાર્શનિકોએ આત્મા નથી, તેમ કહીને ઘણા સૂક્ષ્મ તર્કો દ્વારા આત્માનો અભાવ સ્થાપિત કર્યો છે, પરંતુ જો આત્મા નથી, તો કશું જ નથી. સત્ય-અસત્ય, ધર્મ-અધર્મ, નિીતિ-અનીતિ જે કાંઈ ઉત્તમ સિદ્ધાંતો છે, જે મનુષ્યને અંધકારમાંથી પ્રકાશમાં લઈ જઈ શકે, તેવા દિવ્ય સિદ્ધાંતો આત્માના અભાવમાં વ્યર્થ બની જાય છે. નાસ્તિક મત આત્માના અસ્તિત્વનો સ્વીકાર કરતો નથી, તેનો અર્થ એ થાય છે, કે તેઓ ફકત ભોગવાદ કે ભૌતિકવાદનો જ સ્વીકાર કરે છે. તેનો પરિહાર કરવા માટે સિદ્ધિકાર સ્પષ્ટ રીતે આ પદમાં કહે છે કે “આત્મા છે' એટલે સ્વયં પોતે બોલનાર, વિચારનાર કે અનુભવ કરનાર સ્વયં આત્મા છે, છતાં નવી નવાઈની વાત છે કે હીરાલાલને આપણે એમ કહેવું પડે છે કે હે હીરાલાલ ! તું જ હીરાલાલ છો. હીરાલાલ પોતે હીરાલાલ હોવા છતાં એમ કહે છે કે હું હીરાલાલ નથી, તો આ પણ નવી નવાઈની વાત છે. જો કે આ પ્રકરણ આગળની ગાથાઓમાં આલેખાશે, તેથી અહીં ટૂંકું કરીને એટલું જ કહેશું કે આત્માનું અસ્તિત્વ સ્વીકારવા માટે અહીં શુભારંભ કરવામાં આવ્યો છે.
આત્માના અસ્તિત્વનો વિરોધ કરનાર ફકત નાસ્તિકો જ છે, તેવું નથી. કેટલાક વિશાળ અને વિરાટ ધર્મોએ પણ આત્માનો સ્વીકાર કર્યો નથી. બૌદ્ધદર્શન જેવું વ્યાપક દર્શન પણ અનાત્મવાદી છે પરંતુ તેમનો અનાત્મવાદ અધર્મ કે ભોગવાદને પોષણ કરનારો નથી પરંતુ ધર્મ અને સત્યની સ્થાપના પણ કરે છે, સત્યનો સ્વીકાર કરે છે. જ્યાં સત્ય છે ત્યાં આત્મા છે. જ્યાં ધર્મ છે ત્યાં આત્મા છે. જ્યાં સાધના છે ત્યાં પણ આત્મા છે, તેથી સ્થૂલરૂપે તેઓ અનાત્મવાદી છે પરંતુ સૂમભાવે આત્મા પર જ આધારિત છે, આ એક વિશદ ચર્ચા છે, તેથી અહીં તેનો અલ્પ ઉલ્લેખ કરી ગાથાના મૂળ વિષયને ધ્યાનમાં લઈએ. “આત્મા છે' તેમ કહેવામાં શાસ્ત્રકાર ધર્મનો કે સત્યનો પાયો નાંખી રહ્યા છે. આ કથનથી સ્પષ્ટ થાય છે કે આત્મા, એ જ ધર્મનું મૂળ છે. આત્મા એ જ સંપૂર્ણ વૃક્ષનું ઉત્તમ બીજ છે અને આ વિશ્વના નાશવાન તથા માયાવી દૃશ્યોમાં જે કાંઈ ગ્રાહ્ય દ્રવ્યો છે, તે આત્મા છે. આત્મા છે, એમ કહેવામાં સિદ્ધિકાર સ્વયં દૃઢતાપૂર્વક આત્મવાદનો ઉદ્ઘોષ કરી રહ્યા છે. તેઓ જગતના જીવોને કહે છે, જૂઓ, જાણો, સાંભળો અને સમજો કે “આત્મા છે' જોવા જેવો આત્મા જ છે, જાણવા જેવો પણ આત્મા જ છે. શ્રવણ કરવા જેવું પણ આત્માનું જ આખ્યાન છે અને અંતે સમજવા જેવો પણ આત્મા જ છે, આત્મા છે, તેમ કહેવામાં ફકત “આ ઘડો છે' તેવો સામાન્ય ભાવ નથી. પરંતુ આત્મા છે તેમ કહેવાથી સમગ્ર આત્મદર્શનનું ગ્રહણ થાય છે. આત્મવાદની આખી કડીની સ્થાપના થાય છે. “આત્મા છે', એમ કહેવામાં જેમ ઝાલર ઉપર ડંકો પડે અને રણકાર થાય તેમ કવિના મનમાં રણકાર થઈ રહ્યો છે, આ રણકાર સહુને સંભળાય, તેવા પ્રબળ વેગથી અહીં કહ્યું છે કે “આત્મા છે', “આત્મા નથી', એમ કહેવામાં પણ નાસ્તિકવાદની એટલી હિંમત નથી જેટલી “આત્મા છે' તેમ કહેવામાં આસ્તિકવાદની શકિતના દર્શન થાય છે, તેથી “આત્મા છે' તેમ જોરશોરથી ઉલ્લેખ કર્યો છે.
NSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSS
(3)
SSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSS