________________
જેની બાધા નથી લીધી, તે પાપ પ્રવૃત્તિ કરવાના વિચાર ન આવતા હોય તો ય, અવસર આવે તો તે કરવાની તૈયારી તો છે જ. જો તેમ ન હોય તો બાધા શા માટે નથી લેવાતી? પાપ કરવાની ઇચ્છા મનમાં પડેલી જ છે, તે ઇચ્છા અશુભપ્રવૃત્તિ ન કરવા છતાંય તેનું પાપ લગાડ્યા કરે છે, માટે જે ન કરવાનું હોય, તેની બાધા બધાએ લઇ લેવી જોઇએ.
ખરાબ વિચારો આવે ત્યારે તેને દૂર કરવાના પ્રયત્નો કરશો તો વધારે જોરથી આવશે; તેના કરતાં તે વખતે સારા વિચારો શરુ કરવા; સારા વિચારો શરુ કરવાથી ખરાબ વિચારો એની જાતે અટકી જશે.
પ્રશ્ન : ઉપવાસ કર્યો હોય અને રાત્રે મગના મેરુશિખર,રાબડીના સરોવર દેખાય, ખાવાની ઇચ્છા થાય તો ઉપવાસ તૂટી જાય? જેની બાધા લીધી હોય તે કરવાનું મન થાય તો શું બાધા તૂટી જાય?
જયાં સુધી અતિક્રમ, વ્યતિક્રમ કે અતિચાર કક્ષાનો દોષ હોય ત્યાં સુધી બાધા તૂટે નહિ. જયારે તે અનાચારની કક્ષાએ પહોંચે ત્યારે બાધા તૂટે.
પાપ કરવાની ઇચ્છા કરવી તે અતિક્રમ. તે માટે પગલાં ભરવા તે વ્યતિક્રમ. પાપ કરવાની પ્રવૃત્તિમાં ઠેઠ સુધી આગળ વધવું પણ પાપ કરવું નહિ તે અતિચાર. અને પાપ કરવું તે અનાચાર. દા.ત. રાત્રિભોજન ત્યાગની બાધા છે; રાત્રિના સમયે ભાવતી વસ્તુ જોઇને લલચાઇ ગયા; ખાવાનું મન થયું તે અતિક્રમ. બાધા તૂટી નથી. ખાવા માટે ઉભા થયા. ભાણા સુધી પહોંચ્યા, તે વ્યતિક્રમ. હાથમાં કોળીયો લીધો; મોઢામાં મૂકયો ત્યાં સુધી અતિચાર. હજુ પણ બાધા તૂટી ન ગણાય. જે કોગળો કરીને કાઢી દે તો બચી જાય. પણ જયારે કોળીયો ગળામાં ઉતારી દે ત્યારે અનાચાર કહેવાય. હવે બાધા તૂટી ગણાય.
તેથી જયારે ખાવાના વિચાર આવે ત્યારે જ સુંદર વિચારો વડે મનને બીજે લઇ જવું જોઇએ, જેથી અનાચાર સુધી ન પહોંચાય. પણ કદાચ વિચારો આવતાં હોય તો તેટલા માત્રથી બાધા ન લેવાનો વિચાર ન કરાય. તે તો અતિક્રમ રુપ સામાન્ય દોષ છે, તેના કારણે કરોડોની કમાણી કરાવનારા નિયમો લેતાં. અટકવું ન જોઇએ. નહિ તો અવિરતિનું પાપ ચાલ્યા કરશે.
જૈન શાસનમાં પ્રવૃત્તિ કરતાં ય પરિણતિનું મહત્ત્વ વધારે છે. જો નિયમબાધા-વ્રત-પચ્ચકખાણ ન લો, તો પાપની પ્રવૃત્તિ ન કરવા છતાં ય અંદર પાપ કરવાની પરિણતિ પડેલી હોવાથી તેનું પાપ લાગ્યા કરે છે. તેથી તેનાથી છૂટવા રોજ નવા નવા વ્રત-નિયમ-પચ્ચક્ખાણો કરતાં રહેવું જોઇએ.
વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઇપણ રજૂઆત થઇ હોય તો તેનું અંતઃકરણથી મિચ્છા મિ દુક્કડમ્. તત્વઝરણું
[ ૨૮