________________
સંવત ૨૦૫૮ શ્રાવણ વદ : ૧(૨) શનિવાર તા. ૨૪-૮-૦૨
માનવ જન્મ પામ્યા પછી આપણા સૌનું લક્ષ મોક્ષનું જોઇએ. મોક્ષ એટલે આત્માની સર્વ દુઃખરહિત, સર્વ પાપરહિત, સર્વદોષરહિત ગુણભરપૂર અવસ્થા. આવી અવસ્થા પામવાની ઇચ્છા કોને ન થાય ?
જે વ્યક્તિ ભયંકર ક્રોધી કે અતિકામાંધ હોય, તે આપણને ગમે? કે જે વ્યક્તિ ક્ષમાશીલ કે નિર્વિકારી હોય, તે ગમે ? કોઇને ય ક્રોધી કે કામાંધા વ્યક્તિ ગમતી નથી. બધાને ક્ષમાશીલ કે નિર્વિકારી વ્યક્તિ ગમે છે તો સંપૂર્ણ નિર્વિકારી કે ક્ષમાશીલ બનવું કેમ ન ગમે? તેવા બનવાનું ગમવું એટલે મોક્ષે જવાનું ગમવું.
| ગુણ પ્રત્યે આદર પેદા થશે તો ગુણી બનવાનું મન થશે. તે માટે ગુણના અને ગુણીના અનુરાગી બનશે. સાથે સાથે તે ગુણ અને ગુણીની પ્રશંસા કરવા વડે ગુણાનુવાદી પણ બનીશું. ગુણવાન બનવા માટે ગુણાનુરાગી અને ગુણાનુવાદી બનવું અતિ જરૂરી છે પણ દોષાનુવાદી કદી નહિ. કયારે ય બીજાના દોષો જોવા નહિ. પણ પોતાના દોષો જોવા. જો પોતાના દોષો ખરાબ લાગશે તો તેના પ્રત્યે તિરસ્કાર થશે. કાઢવાનો પ્રયત્ન થશે. પરિણામે એક દિવસ તે દોષો દૂર થઇને રહેશે.
ક્રોધ દોષને દૂર કરવા ક્ષમા ગુણને કેળવીએ. ક્ષમા પાંચ પ્રકારની છે. (૧)ઉપકાર ક્ષમા : સામેનાએ કરેલા ઉપકારને નજરમાં લઇને તેની ભૂલની ક્ષમા આપવી તે. (૨)અપકારક્ષમા : સામેની વ્યક્તિ મારાથી શક્તિશાળી છે, તે ભવિષ્યમાં મને હેરાન ન કરે, ત્રાસ ન આપે, કોઇ મોટો અપકાર ન કરે તે માટે તેની ભૂલની ક્ષમા આપવી તે. (૩)વિપાકક્ષમા : પરલોકમાં ક્રોધના ભયાનક વિપાકો અનુભવવા ન પડે તે માટે ક્રોધ ન કરતાં તેની ભૂલની ક્ષમા આપવી તે (૪)વચનક્ષમા : દુઃખ કે દુર્ગતિથી ગભરાઇને નહિ પણ ભગવાનની આજ્ઞા છે કે ક્રોધ ન કરાય, ક્ષમા જ રખાય એમ વિચારીને ક્ષમા આપવી તે (૫)સ્વભાવક્ષમાં : હું ગુસ્સો કરી શકું જ નહિ. ઇટ ઇઝ સીપ્લી નોટ ડન. મારો રવભાવ જ ક્ષમાનો છે. જેમ હું માંસ ખાઇ શકું જ નહિ, જેમ હું દારુ પી શકું જ નહિ તેમ હું ગુસ્સો કરી શકું જ નહિ. મારાથી ગુસ્સો થઇ શકે જ નહિ. આ છે સ્વભાવક્ષમા.
દ્રૌપદીએ વનવાસમાં કૌરવો વિરૂદ્ધ યુધિષ્ઠિરને ઉશ્કેરવાના ઘણા પ્રયત્નો કર્યા હતા પણ યુધિષ્ઠિર ગુસ્સે થઇ શકતો જ નહિ. તે કહેતો કે મારો સ્વભાવ ક્ષમાનો છે. મને ગુસ્સો આવે જ નહિ.
તત્વઝરણું
loc