Book Title: Setubandha
Author(s): H C Bhayani, Markand Dave
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 13
________________ ભાયાણી સાહેબની વૈજ્ઞાનિકતા, તર્કનિષ્ઠા, અને પ્રમાણિકતા પ્રત્યે તેમને નિઃસંદેહ વિશ્વાસ હતો. તેથી તેમણે વિચાર્યું કે મારી મૂંઝવણ હું એકલો - એકલો વેઠું, તે કરતાં ભાયાણી સાહેબને પણ તેમાં જોડું, તો કદાચ કાંઈ ઉકેલ કદીક જડી પણ જાય. આખરે તો વાદે વાદે જાયતે તત્ત્વબોધઃ - એમાં જ મજા છે ને ! ★ આ પત્ર-વ્યવહારનો પહેલો પત્રસંપુટ ‘ચુનરી-ચુંદડી' શબ્દના મુદ્દે થયો છે. ચુંદડી એટલે મંગલ-ઓઢણું. ચુંદડી શબ્દ સ્વયં પણ મંગલ શબ્દ. એટલે શુકનમાં આરંભે જ સવળા ગણેશ એવા બેઠા કે પત્રવ્યવહાર ઘણો લાંબો પણ ચાલ્યો, અને સંપૂર્ણ ઔપચારિક સંબોધન ‘પ્રિય ભાયાણી સાહેબ'થી શરૂ થયેલો આ વ્યવહાર, પછી અત્યંત ત્વરિત ગતિએ ઘનિષ્ઠ આત્મીયતાભર્યા સખ્યમાં ફેરવાઈ ગયો, અને સંબોધનમાં એ સખ્ય ‘આત્મીય ભાઈ એ શબ્દોમાં ડોકાવા માંડ્યું. પત્રોનો સૂક્ષ્મતાથી અભ્યાસ કરનારને જણાઈ આવશે કે બન્ને સુજ્ઞ જનો ક્યાં, ક્યારે, કેટલી હદે એક મંતવ્યવાળા થયા; કયા મુદ્દાઓ પરત્વે બન્નેના મતો ભિન્ન જ રહ્યા કે ભિન્ન પડ્યા; અને એ રીતની મતભિન્નતા છતાંયે બન્ને વચ્ચે પારસ્પરિક સ્નેહ અને સૌહાર્દનો ઝરો કેવો વહેતો-વિકસતો જ રહ્યો ! વિતંડાની શાસ્ત્રીય કડવાશનો છાંટોય ક્યાંય જોવા ન મળે ! ભાયાણી સાહેબને નજીકથી જાણનારાને બરોબર ખ્યાલ હોય કે તેઓ ઈશ્વર, પુનર્જન્મ, પરલોક, આત્મા, પુણ્ય, પાપ જેવી બાબતોમાં લગભગ નાસ્તિકતાનું વલણ ધરાવનારા માણસ હતા. તેમનો મદાર તર્ક ઉપર રહેતો, શાસ્ત્રો અને માન્યતાઓ ઉ૫૨ નહિ. ખુદ ભાયાણીજી આ મુદ્દે લખે છે તે વાંચીએ : “જન્માંતરની, પરલોકની મારી સમજ તદ્દન ધૂંધળી છે અને એ અંગે હું સંશયાત્મા છું (પત્ર-૧૦૨)”. પરંતુ, તેમનામાં માનવીય શુભ તત્ત્વો, અસત્ તત્ત્વો પ્રત્યેનો અલગાવ, જ્ઞાન તથા જીવનનો ઉલ્લાસ, પ્રમાણિક-મધુર વ્યવહાર- આ બધાં વાનાં એવાં હતાં કે તેમની નાસ્તિકતા ભાગ્યે જ કોઈને વાગતી કે નજરમાં આવતી. અથવા એમ પણ કહી શકાય કે ભીતર પડેલી આસ્થા અને આસ્તિકતાને તેઓ બાહ્ય નાસ્તિકતાના આભાસી કોચલા હેઠળ ઢબૂરી રાખનારા જણ હતા. આ પત્રો ઝીણવટથી વાંચનાર જોઈ શકશે કે આવા નાસ્તિકતાના આશક વિદ્વાનને પણ મકરંદભાઈએ આત્મીયતાના ઓઘમાં ન્હેવડાવતાં જઇને આસ્તિકતાનો પાસ કેવો લગાડી દીધો છે ! અથવા તો તેમણે ઢબૂરી રાખેલી આસ્તિકતાને કેવી નજાકતભરી સિફતથી અનાવૃત્ત કરી આપી છે ! તો એની સામે, ભાયાણી સાહેબ પણ કાંઈ કમ નહોતા. તેમણે પણ પોતાની ઉલ્લાસમઢી સક્રિયતાનો ચેપ કવિવર જેવા સાધકને લગાડી વાળ્યો છે અને તેમને અબોલા રાણીને બોલતી કરવાના જ્ઞાનયજ્ઞમાં તેઓ જોતરી શક્યા છે. કેવું મધુર છે આ બધું ! Jain Education International ★ 12 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 318