________________
નવકાર મંત્ર-અરિહંતના કલ્યાણકો
૩૧
૧૪. તપ - બારે પ્રકારના તપમાં સતત રતિ હોવી તે. ૧૫. ત્યાગ - ત્યાગમાં અત્યંત પ્રીતિ હોવી તે. ૧૬. વૈયાવચ્ચ - આચાર્ય આદિની સેવા ભક્તિમાં પ્રીતિ હોવી. ૧૭. સમાધિ - ગુરુ ભગવંતો આદિને સમાધિ પહોંચાડવી તે. ૧૮. અપૂર્વ જ્ઞાનગ્રહણ - અપૂર્વ ઉત્સાહથી જ્ઞાનાભ્યાસ કરવો. ૧૯. શ્રુતભક્તિ - શ્રત પરત્વે બહુમાન હોવું તે. ૨૦. પ્રવચન પ્રભાવના - યથાશક્તિ માર્ગની દેશના આપવી.
આ રીતે વીશ સ્થાનકોને અત્રે સંક્ષેપથી સામાન્ય ઉલ્લેખ કર્યો. (વિશેષથી જાણવા માટે અમારો “આગમ કથાનુયોગ” ગ્રંથ જોવો).
સવિ જીવ કરું શાસનરસી/કરુણાભાવ અને ઉક્ત સ્થાનકોમાંના કોઈ એક કે વધુ કે બધાં સ્થાનકો દ્વારા તીર્થકર નામ કર્મ બાંધેલ જીવ, આ શુભ કર્મ પ્રકૃતિના યોગે (પછીનો એક દેવનો કે ક્વચિત્ નારકીનો ભવ કરીને તેના પછીના ભવમાં) મનુષ્યપણું પામી તીર્થંકર/અરિહંત થાય છે.
(ખાસ નોધ - જગતમાં કોઈ જીવ હું અરિહંત/તીર્થકર થઉ એવી બુદ્ધિથી આજ પર્યન્ત કોઈ જ આરાધના કરીને કે કરતા અરિહંતપણું પામ્યા નથી, પામતા નથી અને પામશે પણ નહીં. કેમકે તપ આદિ આરાધના કેવળ નિર્જરા માટે હોય છે. કર્મનો બંધ આશ્રવથી થાય છે. અર્થાત્ ઉક્ત આરાધના કરતા કરતા તીર્થંકર નામ કર્મ બંધાઈ જાય છે તે વાત અલગ છે. પણ તીર્થંકર નામ કર્મ બંધાશે એવી બુદ્ધિથી અરિહંતના જીવો પૂર્વ ભવોમાં આવી આરાધના કરતા નથી.)
આ રીતે પૂર્વના ત્રીજા ભવે તીર્થકર નામકર્મ ઉપાર્જન કરેલ જીવ ત્યાંથી કાળધર્મ પામીને દેવલોક કે નરકમાં ગયા પછી, ત્યાંથી ચ્યવીને મનુષ્યત્વ પામી, માતાની કુક્ષિમાં ઉત્પન્ન થાય તેને ચ્યવન કહેવાય છે. આ ચ્યવન કલ્યાણકની વિશેષતા હવે જોઈએ
કોઈ પણ અરિહંતનું માતાની કુક્ષિમાં ચ્યવન થાય ત્યારે નિયમથી તેઓ મતિ, મૃત અને અવધિ એ ત્રણ જ્ઞાન વડે યુક્ત જ હોય છે.
જ્યારે તેઓ માતાની કુક્ષિમાં આવે ત્યારે હંમેશા તે રાત્રિએ તેમની માતા પ્રશસ્ત, કલ્યાણકારી, ઉપદ્રવ હરનારા, મંગલકારી અને શોભાયુક્ત ચૌદ સ્વપ્નોને જોઈને જાગે છે. આ ચૌદ સ્વપ્નો આ પ્રમાણે છે – ૧. હાથી, ૨. વૃષભ, ૩. સિંહ, ૪. લક્ષ્મીદેવી, ૫. ફૂલની માળા, ૬. ચંદ્ર, ૭. સૂર્ય, ૮. ધ્વજા, ૯. પૂર્ણ કળશ, ૧૦. પદ્મસરોવર, ૧૧. સમુદ્ર, ૧૨. દેવ વિમાન/ભવન, ૧૩. રત્નનો ઢગલો અને ૧૪. નિર્ધમ અગ્રિ. (આ ચૌદ સ્વપ્નનો વિસ્તાર કલ્પસૂત્રથી જાણવો). - (જો કે આ ચૌદ સ્વપ્નો ચક્રવર્તીની માતા પણ જુએ છે. પરંતુ તે સ્વપ્નો ઝાંખા જુએ છે. જ્યારે અરિહંત પરમાત્માની માતા આ સ્વપ્નો સ્પષ્ટ અને પ્રકાશિત જુએ છે.)
- સાધારણતયા અરિહંતોના ચ્યવનની સિંહાસન ચલિત થવાથી શક્રેન્દ્રને જાણ થતા તે સ્તવનાદિ કરે છે. તેમજ ચ્યવન વખતે અરિહંતોની માતાએ જોયેલા સ્વપ્નોના ફળનું કથન સ્વપ્નપાઠક કે પિતા દ્વારા થાય છે.