________________
નવકાર મંત્ર-સાઘુના ગુણો
૧૦૧
૦ ક્ષમાધારણ કરવી
સાધુને માટે ક્ષમાશ્રમણ શબ્દ વપરાયેલ છે (જે સૂત્ર-૩ વંદન સૂત્રમાં જોવું.) ક્ષમા એ સાધુના દશવિધ ધર્મમાંનો પહેલો ધર્મ પણ છે. ક્રોધના નિગ્રહ માટે પણ જરૂરી છે અને ઉપશમભાવ ધારણ કરવા માટેની પ્રાથમિક જરૂરિયાત પણ છે.
૦ ચિત્તની નિર્મળતા :- કોઈપણ પ્રાયશ્ચિત્ત, તપ, આરાધના આદિ માટે માયા વગેરે શલ્યરહિત અને મલિનતારહિત ચિત્ત હોવું તે.
૦ શુદ્ધ પડિલેહણા :- સાધુ પોતાના વસ્ત્ર, પાત્ર, ઉપકરણ, વસતિ, શય્યા આદિનું પ્રત્યુપ્રેક્ષણ કરે. તે ઉભયકાળ કરવાનું હોય, તેમાં શુદ્ધિ રાખે.
૦ સંયમમાં રહેવું :- સત્તર પ્રકારના સંયમની વાત ઉપાધ્યાયના ગુણોમાં ચરણ સિત્તરીમાં કરી જ છે. બીજો અર્થ અવિવેકનો ત્યાગ પણ થાય છે.
-
૦ પરીષહો સહેવા :- શાસ્ત્રકાર મહર્ષિ ભુખ, તરસ આદિ બાવીશ પ્રકારના પરીષહો જણાવે છે, તેને સહન કરવા
૦ ઉપસર્ગો સહેવા :- મનુષ્ય, દેવ કે તિર્યંચ દ્વારા જે ઉપસર્ગો ઉત્પન્ન થાય તેને સમભાવે સહન કરવા તેનું એક દૃષ્ટાંત જોઈએ
લઘુ દૃષ્ટાંત :- અયોધ્યામાં કીર્તિધર નામે રાજા હતો. સહદેવી રાણી હતા. તેમને સુકોશલ નામે પુત્ર હતો. કીર્તિધર રાજાએ દીક્ષા લીધી. સુકોશલકુમાર રાજા બન્યા. સુકોશલ કોઈ રીતે દીક્ષા ન લે, તે માટે સહદેવી માતા પ્રયત્નો કરતા હતા. કોઈ વખતે કીર્તિધરમુનિ તે જ રાજ્યમાં પધાર્યા. ત્યારે સુકોશલ રાજાને જાણ ન થાય તેમ સહદેવી માતાએ મુનિને નગર બહાર કઢાવી મૂક્યા. તે સમાચાર સુકોશલ રાજાને મળી ગયા. માતાની આવી વર્તણુંકથી વૈરાગ્ય પામી સુકોશલે દીક્ષા લીધી. સહદેવી રાણી પુત્રવિયોગના આર્તધ્યાનથી મૃત્યુ પામી વાઘણ થઈ. કોઈ વખતે તે વાઘણ મુનિના માર્ગમાં આવી. પૂર્વના દ્વેષને કારણે સુકોશલ મુનિને ઉપસર્ગ કર્યો. મુનિ કાયોત્સર્ગમાં લીન બન્યા. વાઘણ મુનિનું આખું શરીર ચાવીને ખાઈ ગઈ, તો પણ મુનિએ આ ઉપસર્ગ સમભાવે સહન કર્યાં. તો કેવલજ્ઞાન પામી મોક્ષે ગયા.
સાધુએ આ રીતે સમભાવે ઉપસર્ગોને સહન કરવા જોઈએ.
• સાધુનો વિશિષ્ટ ગુણ :- આવશ્યક નિર્યુક્તિ અને વિશેષાવશ્યક ભાષ્યમાં અરિહંતાદિ પાંચેના એક-એક વિશિષ્ટ ગુણને જણાવેલ છે. જેમકે અરિહંતનો વિશિષ્ટ ગુણ છે - મારગદેશકપણું. તે રીતે સાધુનો વિશિષ્ટ ગુણ છે “સહાયત્વ’ મોક્ષ માર્ગે પ્રયાણ કરી રહેલા જીવોને સહાયક થવું તે.
♦ સાધુને નમસ્કાર શા માટે ?
ભગવતીજી સૂત્ર-૧ની વૃત્તિમાં જણાવે છે સાધુઓ મોક્ષ માર્ગમાં સહાય કરતા હોવાથી તેમના ઉપકારીપણાને લીધે તેઓ નમસ્કરણીય છે. ‘અસહાય એવા મને સંયમમાં સહાયતા કરનારા હોવાથી હું સર્વે સાધુઓને નમસ્કાર કરું છું.
--
- વિષયસુખથી નિવૃત્ત થયેલા છે, વિશુદ્ધ ચારિત્ર અને નિયમો યુક્ત છે.