________________
૧૨૦
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧
સૂત્રની ગાથા ૩૮ની વૃત્તિ મુજબ-) દિવ્ય અને ઔદારિક કામભોગોનો. મન, વચન, કાયાથી કરવા-કરાવવા કે અનુમોદવારૂપ પ્રવૃત્તિનો ત્યાગ કરવો તેનું નામ બ્રહ્મચર્ય. અહીં દિવ્ય એટલે દેવસંબંધી અને ઔદારિક એટલે મનુષ્ય અને તિર્યંચ સંબંધી, કામભોગ એટલે મૈથુન સેવવાની ઇચ્છા. (યોગશાસ્ત્ર પ્રકાશ-૧-ગાથા-૨૩માં કહ્યું છે કે–)
દેવસંબંધી અને ઔદારિક (મનુષ્ય કે તિર્યંચ સંબંધી) કામોનો મન. વચન અને કાયાથી કરવા, કરાવવા અને અનુમોદવાના ત્યાગરૂપ એવા અઢાર ભેદે બ્રહ્મચર્ય કહેલું છે.
આ અબ્રહ્મ કે મૈથુન સેવનની ઇચ્છા બે પ્રકારની હોય છે. ૧. સંપ્રાપ્ત, ૨. અસંપ્રાપ્ત. સંપ્રાપ્ત એટલે પ્રાપ્ત થયેલ સ્ત્રી-પુરુષ આદિની અન્યોન્ય સંગ કરવાની ઇચ્છા અને તત્સંબંધી કામચેષ્ટા. અસંપ્રાપ્ત એટલે જ્યાં સંગ કરવાની ઇચ્છાવાળી વ્યક્તિની ગેરહાજરી હોય છે, ત્યાં તેનાં સ્મરણ, ચિંતન અને સંગ કરવાની તીવ્ર અભિલાષા કરવી, સ્ખલન થવું, કુચેષ્ટાઓ કરવી ઇત્યાદિ.
ગુપ્તિનો પ્રસિદ્ધ અર્થ ‘ગોપવવું તે” થાય છે. તત્સંબંધી વ્યાખ્યા આ જ સૂત્રમાં આગળ તિવ્રુત્તિ શબ્દમાં કરેલી છે. અહીં બ્રહ્મચર્ય શબ્દ સાથે સંકડાયેલ ગુપ્તિ શબ્દનો અર્થ મર્યાદિત પરિભાષામાં રજૂ કરતા એમ કહી શકાય કે વ્રતની રક્ષા કરવાને લગતી આજ્ઞા, નિયમ કે નિગ્રહોને ગુપ્તિ કહેવામાં આવે છે. આ બ્રહ્મચર્યગુપ્તિ અથવા બ્રહ્મચર્ય માટેની વાડોને નવ પ્રકારે જણાવાયેલી છે.
(સ્થાનાંગ સૂત્ર-૮૦૨, પાક્ષિક અતિચાર, શ્રમણસૂત્ર, પાક્ષિક સૂત્રની ગાથા૩૮ની વૃત્તિ, યોગશાસ્ત્ર પ્રકાશ-૧-ગાથા ૩૦ શ્રાદ્ધ દિનકૃત્ય દ્વાર-૨૮, ઇત્યાદિ ગ્રંથાનુસાર–)
૧. વસતિ :- સ્ત્રી, પશુ અને નપુંસકના વાસથી રહિત એવા એકાંત વિશુદ્ધ સ્થાનમાં નિવાસ કરવો.
૨. કથા :- સ્ત્રીઓ સંબંધી વાતો કરવી નહીં. કેવળ સ્ત્રીઓ મધ્યે સાધુએ કે પુરુષો મધ્યે સાધ્વીએ ધર્મકથાદિ કરવા નહીં.
૩. નિષદ્યા :- સ્ત્રીની સાથે એક આસને, તેમજ તેણે વાપરેલા શય્યા-આસને પુરુષે એક મુહૂર્ત સુધી અને પુરુષ વાપરેલા શય્યા-આસને સ્રીએ ત્રણ પ્રહર સુધી બેસવું નહીં. કારણ કે તેમ કરવાથી વિકારનો સંભવ છે.
૪. ઇન્દ્રિય - ચિત્તમાં વિકાર કરનાર હોવાથી સ્ત્રીએ પુરુષના કે પુરુષ સ્ત્રીના નેત્ર, મુખ, સ્તન આદિ અંગોને જોવા પ્રયત્ન ન કરવો. કેમકે રૂપ જોવાથી ઇચ્છા વધે. છેવટે મોહનો ઉદય થાય છે.
૫. કુડ્યાંતર - જ્યાં ભીંત વગેરેના અંતરે પણ સ્ત્રીપુરુષના કામક્રીડાના શબ્દો સંભળાય તેવા સ્થાનોમાં રહેવું નહીં
૬. પૂર્વક્રીડિત - પૂર્વે ગૃહસ્થાવસ્થામાં કરેલી કામક્રીડાનું સ્મરણ ન કરવું. ૭. પ્રણીતાહાર :- અતિસ્નિગ્ધ, વિકારક, માદક, સ્વાદુ આહારનો ત્યાગ કરવો. સંભવતઃ રૂક્ષ અને નિરસ આહાર વાપરવો.