________________
૪૬
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૧ છે. તે દેવછંદકની વચ્ચોવચ્ચ પાદપીઠ સહિત એવા અને વિવિધ મણિરત્નોથી બનાવેલા શુભ-મનોહર અને કાંતિમાનું મહાત્ સિંહાસનની વિકુર્વણા કરે છે. પછી અરિહંત પરમાત્મા પાસે આવીને તેમને ત્રણ પ્રદક્ષિણા કરી વંદન-નમસ્કાર કરે છે. પછી અરિહંત, પરમાત્માને લઈને દેવછંદક પાસે આવે છે. ભગવંતને સિંહાસન પર પૂર્વ દિશાભિમુખ બેસાડે છે.
તે વખતે (જન્મ અભિષેકમાં વર્ણવ્યા મુજબ) અચ્યતેન્દ્ર આદિ ચોસઠ ઇન્દ્રો કે જેઓએ પોત-પોતાના આભિયોગિક દેવો દ્વારા જે સુવર્ણાદિ આઠ-આઠ જાતિના ૧૦૦૮-૧૦૦૮ કળશો તૈયાર કરાવેલા હોય છે. તે સર્વે કળશોને અરિહંત પરમાત્માના પિતા કે વડીલ ગોત્રીયો દ્વારા તૈયાર કરાવાયેલ સ્વાભાવિક કળશોમાં વૈક્રિય શક્તિ વડે સંક્રમાવી દે છે. પછી અરિહંત પરમાત્માનો (જન્મ અભિષેકમાં વર્ણવ્યા મુજબ) અભિષેક કરે છે. તેમજ ગંધકાષાયી વસ્ત્ર વડે શરીરને લુંછે છે.
ત્યારપછી એક લાખ સુવર્ણમુદ્રા કરતાં પણ અધિક મૂલ્યવાળા એવા બહુ મૂલ્યવાનું અત્યંત શીતળ ગોશીર્ષ રક્તચંદનનો લેપ કરે છે. પછી ધીમા શ્વાસોચ્છવાસથી પણ કંપિત થાય તેવું પ્રસિદ્ધ નગરમાં નિર્માણ પામેલું પ્રતિષ્ઠિત પુરુષો દ્વારા પ્રશસિત, અશ્વ સમાન લાલઝાંય પ્રગટ કરતું, વિશિષ્ટ કારીગરો દ્વારા સુવર્ણજડિત છેડાવાળું હંસ સમાન શ્વેત એવા વસ્ત્રયુગલને પહેરાવે છે. કલ્પવૃક્ષના પુષ્પોની મનોહર માળા પહેરાવે છે. હાર, અર્ધવાર, એકાવલી હાર, લટકતી માળ, ઝુમખાં, કંદોરો, મુગટ, રત્નમાળા પહેરાવે છે. ગ્રંથિમ, વેષ્ટિમ, પુરિમ અને સંઘાતિમ એવી ચાર પ્રકારની માળા પહેરાવે છે. બાજુબંધ, કડાં, કુંડલ આદિ પહેરાવી કલ્પવૃક્ષ સંદેશ અલંક્ત કરે છે.
• શિબિકા નિર્માણ :
અચ્યતેન્દ્રની આજ્ઞાનુસાર શક્રેન્દ્ર મહાન વૈક્રિય સમુદ્યાત દ્વારા એક વિરાટ એવી સહસ્રવાહિની શિબિકા નિર્માણ કરાવે છે. જે વૃષભ, અશ્વ આદિ અનેક પ્રકારના ચિત્રો વડે ચિત્રિત હોય છે. સહસ્રરશ્મિ સૂર્યપ્રભા સમાન તેજવાળી, રમણીય અને દેદીપ્યમાન હોય છે. તેમાં મોતીની માળાઓ અને તોરણો ઝુલતા હોય છે. હારઅર્ધડાર આદિ આભુષણોથી સજાવાયેલી હોય છે. અતિ દર્શનીય હોય છે. તે શિબિકા અતિ શુભ, સુંદર, મનોહર, મણિઓ, ઘંટડીઓ, પતાકાથી મંડિત શિખરવાળી, આકર્ષક હોય છે. તેમજ સર્વ ઋતુમાં સુખદાયી, ઉત્તમ અને શુભ કાંતિવાળી હોય છે. તે જલજ અને સ્થલજ પુષ્પોથી યુક્ત તથા અરિહંતને માટે દેવ નિર્મિત શ્રેષ્ઠ રત્નો દ્વારા ચર્ચિત અને પાદપીઠ યુક્ત મહામૂલ્યવાનું સિંહાસન વાળી હોય છે. જે શિબિકા અરિહંત પરમાત્માના કુટુંબીજનો દ્વારા નિર્મિત સ્વાભાવિક શિબિકામાં સમાઈ જાય છે.
• અરિહંતનું દીક્ષાર્થે ગમન :- (અહીં આ વર્ણનનો સંક્ષેપ છે વિસ્તારથી જાણવા અમારુ “આગમ કથાનુયોગ” જોવું)
તે વખતે કેશાલંકાર, માલ્યાલંકાર, આભરણાલંકાર અને વસ્ત્રાલંકાર વડે યુક્ત અરિહંત શિબિકા પાસે આવીને, શિબિકાને પ્રદક્ષિણા દઈને, શિબિકામાં સ્થિત સિંહાસનમાં બેસે છે. તેઓ પ્રશસ્ત અધ્યવસાય, વિશુદ્ધ વેશ્યાથી યુક્ત હોય છે.