________________
૭૮
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧
તો તે સર્વલોક અને અલોકમાં પણ સમાવી શકાતું નથી.
જેમ કોઈ પુરુષ સર્વકામગુણિત ભોજન કરે, પોતાની તૃષા અને સુધાનું નિવારણ કરે તેની રસનાઇન્દ્રિય સહ સવિ ઇન્દ્રિયો પરિતૃપ્ત થઈ જાય અને અમૃત પીધું હોય તેવો ઓડકાર આવી જાય ત્યારે તેને જે સુખનો અનુભવ થાય, તેવું (તેનાથી અનંતગણુ) સુખ સિદ્ધો કાયમ અનુભવે છે.
- જેમ કોઈ પુરુષ સદા વીણા, મૃદંગ આદિના પ્રશસ્ય સ્વરનું ગીત-ગાન સાથે શ્રવણ કરતો હોય, પોતાના પ્રાસાદમાં રહીને પોતાની આશ્ચર્યકારી અને લીલાવંતી સ્ત્રીઓના રૂપોને અનિમેષ દૃષ્ટિએ નીહાળી રહ્યો હોય, અંબર, કપુર, અગરુ આદિની ધૂપ ગંધથી તેના વસ્ત્રો વાસિત હોય અને નાક પણ તરબતર થયું હોય, રસયુક્ત ભોજન અને અમૃત જેવા પાનથી પોતાને તૃપ્ત કરતો હોય, મૃદુ અને કોમળ સ્પર્શવાળા પલંગ પર બેસીને સર્વે કામભોગોને માણતો હોય, એ રીતે સર્વ ઇન્દ્રિયના સર્વ અર્થો તેને પ્રાપ્ત થયેલા હોય, કોઈ પણ પ્રકારે બાધારડિત સુખ ભોગવતો હોય તો પણ સિદ્ધો તેના કરતા અનંતગણુ સુખ અનુભવતા હોય છે.
• સિદ્ધની અન્ય વિશેષતા :
- જ્યાં એક સિદ્ધ છે, ત્યાં ભવક્ષયથી મુક્ત થયેલા અનંતા સિદ્ધો હોય છે. તે સર્વે સિદ્ધો લોકાંતે પરસ્પર અવગાહીને-સ્પર્શીને રહેલા હોય છે. નિયમથી એક સિદ્ધ સર્વ પ્રદેશો વડે અનંતા સિદ્ધોને સ્પર્શે છે અને જે એ પ્રમાણે દેશ-પ્રદેશોથી સ્પર્શાવેલા છે, તે પણ તેનાથી અસંખ્યાતગણા છે કેમકે સર્વ પ્રદેશો વડે અનંતા સિદ્ધો સ્પર્શાએલા છે ઇત્યાદિ.
જેમ એક ઓરડામાં તમે એક દીવો પ્રગટાવો, તો તે દીવાનો પ્રકાશ સમગ્ર ઓરડામાં ફેલાઈ જાય છે. બે દીવા મૂકશો તો પણ તેનો પ્રકાશ તેમાં સમાઈ જશે. કદાચ સો દીવા મૂકશો તો પણ તે ઓરડામાં એકમેકમાં પ્રકાશ સમાઈ જશે. એ રીતે જેમ દીવાની જ્યોતિ એકમેકમાં સમાઈ જાય, તેમ સિદ્ધો પણ પરસ્પર અવગાહીને રહે છે. ફર્ક એટલો કે તો પણ પ્રત્યેક સિદ્ધ આત્માનું સ્વતંત્ર અસ્તિત્વ જીવદ્રવ્યરૂપે તો જળવાયેલું જ રહે છે.
– સિદ્ધના જીવો ઔદારિક, કાર્મણ આદિ પાંચ પ્રકારના શરીરથી રહિત હોય છે, મોક્ષ પૂર્વે શરીરના પોલાણનો ભાગ જીવપ્રદેશો પૂરી દે છે, તેથી જીવપ્રદેશ ઘન બને છે. સિદ્ધોનો કેવળદર્શન અને કેવળજ્ઞાનનો ઉપભોગ (અનુક્રમે) નિરંતર, સતત વર્તતો રહે છે. તેને સાકાર અનાકાર ઉપયોગ પણ કહે છે.
– સિદ્ધો જન્મ, જરા, મરણ, રોગ, શોક, વિયોગ, આધિ, વ્યાધિ પ્રમુખ સકલ દુઃખથી મૂક્ત થયેલા હોય છે.
– સિદ્ધોને સંસ્થાન, સંઘયણ, વર્ણ, ગંધ, રસ, સ્પર્ધાદિ હોતા નથી. - સિદ્ધો તેજપુંજ સ્વરૂપે સિદ્ધશિલા ઉપર રહેલા હોય છે. – સિદ્ધપદની પ્રાપ્તિ કેવળ મનુષ્યગતિમાં જ થાય છે, બાકી ગતિમાં નહીં. • સિદ્ધોને નમસ્કાર શા માટે ?