________________
5
ઔષધો જ્યાં હારે છે, આસ્થા ત્યાં વિજયી બને છે!
આ દુનિયામાં ઓસડ કે ઔષધિ જ મોટી ચીજ નથી, મોટી જો કોઈ ચીજ હોય, તો એ આસ્થા છે! જેના અંત૨માં આસ્થા હોય, એના માટે પાણી પણ અમૃત જેવું કામ કરતું હોય છે, અને આસ્થાવિહોણા આદમીને માટે અમૃત પણ પાણી જેટલુંય કામ આપતું નથી. માટે એમ કહી શકાય કે, ઔષધિઓમાં પરમ ઔષધિ આસ્થા છે! વૈદોમાં વૈદરાજ વિશ્વાસ અને દવાઓમાં રામબાણ દવા શ્રદ્ધા છે. જેની પાસે આ ત્રણની મૂડી છે, એ કૅન્સર જેવી વ્યાધિમાંથીય ફરી બેઠો થઈને નીરોગી બની શકે છે. આ ત્રણનો જેની પાસે અભાવ છે, એને શરદી જેવો રોગ પણ સ્મશાનમાં પહોંચતો કરવા માટે પૂરતો છે! આવી આસ્થા અને શ્રદ્ધા જો વળી યંત્ર-મંત્ર અને તંત્રના અધિરાજ સમા મહામંત્ર-નમસ્કાર ૫૨ હોય, તો તો એવા રોગીનો દેહરોગની સાથે ભવરોગ પણ નાબુદ થતાં બેડો પાર થયા વિના નથી રહેતો.
અહીં રજૂ થતી આ એક સત્યઘટનાના વાચન પછી ઉપર મુજબના ઉરબોલ હૈયામાં ઘુમરાયા વિના નહિ જ રહે ! વધારામાં એમ પણ થશે કે, મહામંત્ર પાસે ભૌતિક-દુઃખો દૂર કરવાની ભીખ માંગવી, એ તો રીઝેલા ચક્રવર્તી પાસે પોતાનું ચપ્પણિયું એઠવાડથી ભરવાની માંગણી મૂકવા જેવી મૂર્ખતા છે! રીઝેલો ચક્રવર્તીતો ભિખારીની આખી ઝૂંપડીને સોનાથી ભરી દેવા સમર્થ છે, એની પાસે વળી ચપ્પણિયાને એઠવાડથી ભરવા જેવી સાવ તુચ્છ માગણી મૂકાય ખરી? એમ મહામંત્રનો પ્રભાવ તો, જેમાંથી તમામ રોગો-દુઃખો ઉપાધિઓ અને સંતાપો સતત પેદા થતા રહે છે, એ ભવરોગને મૂળથી જ ઉખેડી દેવા સમર્થ છે, એથી એની આગળ વળી દેહના જ સામાન્ય દુઃખો-રોગો દૂર કરવાના જ
રોદણાં રોવાની પાગલતા કરાય ખરી? આ સત્ય ઘટનાનો સંબંધ રતનચંદ હેમચંદ નામની એક વ્યક્તિ સાથે સંકળાયેલો છે.
સને ૧૯૫૦નો આ બનાવ છે. ત્યારે કોઈ ગોઝારી પળે રતનચંદ હેમચંદના ગળા પર એક ગાંઠે દેખા દીધી. થોડા જ વખતમાં એ ગાંઠના નિદાન તરીકે ‘કૅન્સર'નું દર્દ જાહેર થયું. કૅન્સર એટલે કૅન્સલ! રતનચંદના મોતિયા મરી ગયા. એમને ધોળે દિવસે તારા દેખાવા માંડ્યા. જીવનમાં ધર્મની જેણે આરાધના-રક્ષા કરી હોય, એને જ રક્ષવા આવી આપત્તિમાં ધર્મ હાજર થાય! રતનચંદના જીવનમાં ‘ધર્મ-શ્રદ્ધા'ના નામે મોટું મીંડું હતું, એથી એમની દોટ દવાઓ અને દવાખાનાઓ તરફ મંડાઈ; પણ જેમ દવાઓ લેવાતી ગઈ, એમ કૅન્સરની ગાંઠ વધુ ને વધુ વકરવા માંડી.
ભારતના ખ્યાતનામ બધા સર્જનોની મુલાકાતનું પરિણામ પણ જ્યારે સાવ શૂન્યમાં આવ્યું, ત્યારે રતનચંદની જીજીવિષા છેક અમેરિકા સુધી લંબાઈ અને ત્યાં પહોંચીને એમણે કૅન્સર અંગેના અનેક ઉપચારો કર્યા. આ ઉપચારો પાછળ નવલાખ રૂપિયા જેવી જંગી-૨કમને પાણીની જેમ વેર્યા પછી પણ જે ફલશ્રુતિ આવી, એ જોઈને જીવવાની તમામ આશા મૂકી દઈને રતનચંદ પુનઃ મુંબઈ આવ્યા.
મુંબઈના આગમન બાદ કોઈ અજબ ઘડી આવી અને શરણદાતા તત્ત્વ તરીકે મહામંત્ર ઉપર રતનચંદની નજર કંઈક સ્થિર થઈ. આજ સુધી નવકાર તો ઘણા ગણ્યા હતા, નવકારના મહિમા અંગે આજ સુધી સાંભળ્યું પણ ઘણું ઘણું હતું, પણ એમાં શ્રદ્ધા-વિશ્વાસનો જે ભાવ આજ સુધી નહોતો ભળ્યો, એ આ ઘડીએ ભળ્યો અને એઓ
‘સર્વ મંત્ર શિરોમણી, મહામંત્ર નવકાર; સારભૂત એ મંત્રને, જપતાં જય જયકાર.'-૪
૬૩