________________
“અંધેરેમેં એક પ્રકાશ”
સા. શ્રી અમૃતશ્રીજી (પાર્શ્વચંદ્રગચ્છ)
વિક્રમ સંવત ૨૨ કે ૨૩ ની આસપાસમાં જ્યારે મહારાષ્ટ્રમાં કોયનામાં ધરતીકંપ થયો ત્યારે ત્યાં એક કચ્છી કુટુંબ પોતાનાં ઘરમાં ફસાઈ ગયું. રાતનો ત્રણ કે સાડા ત્રણ વાગ્યાનો સમય હતો. પોતાના ઘરના માળમાંથી ધૂળ સૂતેલા બાળકો તથા તેમના ઉપર પડવા લાગી. બાળકો તો મોટેથી બૂમબરાડા પાડવા લાગ્યા અને પોતે ભાઈ તથા તેમના પત્ની ગભરાઈને વિચારવા લાગ્યા કે બારણું ખોલીને બહાર નીકળી જઈએ. પણ અંધારામાં બારણું ક્યાં છે તેની સમજ પડે નહિ, અને વિચારતા હતા કે મકાન પડશે ને અમે અત્યારે જ ખતમ થઈ જશું. કાંઈ ઉપાય ન હતો. તેટલી વારમાં ભાઈને સૂછ્યું કે તમો સૌ શાંતિપૂર્વક મન લગાડીને નવકારમંત્ર ગણો. જરા વારમાં અભરાઈ ઉપર બૅટરી પડી હતી ને તેની સ્વીચ ઉપર
કુદરતી એક પત્થર પડતાં જ તે સ્વીચ દબાતાં લાઇટ થઈ ને તરત જ બંધ પડી ગઈ. પેલા ભાઈ તરત જ છોકરાઓ તથા પોતાની પત્નીને લઈને બારણું ખોલીને સહીસલામત બહાર નીકળી ગયા. આ છે નવકારમંત્રનો પ્રભાવ! અમોએ આ વાત એ કચ્છી કુટુંબના સંબંધી કચ્છ રતાડીયાના (હાલે ચેમ્બુર રહેતા) શંભુભાઈના ધર્મપત્ની પાનબાઈ પાસેથી સાંભળેલ, તે અહીં દર્શાવેલ છે.
ખરેખર જે મહામંત્ર અનાદિકાલીન અજ્ઞાન તથા મહામિથ્યાત્વના ઘોર અંધકારનો નાશ કરી કેવલજ્ઞાન તથા ક્ષાયિક સમ્યગ્દર્શનનો દિવ્ય પ્રકાશ આત્મામાં પ્રગટાવી શકે છે, તેના માટે ઉપરોક્ત પ્રકાશની ઘટનામાં શું અસંભવિત છે? જરૂર છે માત્ર અનન્ય શરણભાવે તેનું સ્મરણ કરવાની!
૧૮૩