Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
પ્રમેય કહેવાય છે, જે ધર્માસ્તિકાયાદિ દ્રવ્યો સ્વરૂપ છે. તેના પણ ગુણપર્યાયવ દ્રવ્યમ્... ઇત્યાદિ અનેકાનેક લક્ષણો છે. પ્રમાણલક્ષણ અને પ્રમેયલક્ષણોની વિચારણા કરવાનું અહીં આવશ્યક નથી.
તાત્પર્ય એ છે કે પ્રમાણના લક્ષણ વડે નિશ્ચિત જ પ્રમાણ અર્થગ્રાહક બને તો ચોક્કસ જ પ્રમાણના લક્ષણનો અહીં ઉપયોગ રહે; પરંતુ તે યુક્ત નથી. કારણ કે પ્રમાણનો નિશ્ચય કરાવનારું જે પ્રમાણલક્ષણ છે; તે પ્રમાણનું લક્ષણ નિશ્ચિત છે કે અનિશ્ચિત છે – આ બે વિકલ્પ છે. એમાં એ પ્રમાણનું લક્ષણ નિશ્ચિત છે – એ પ્રથમ વિકલ્પ માની લેવામાં આવે તો એમાં પણ બે વિકલ્પ છે. પ્રમાણનું લક્ષણ અધિકૃતપ્રમાણથી નિશ્ચિત છે કે પછી પ્રમાણાતેરથી નિશ્ચિત છે? પ્રમાણનું લક્ષણ અધિકૃત (લક્ષ્યભૂત તે જ) પ્રમાણથી નિશ્ચિત છે એમ કહેવામાં આવે તો “ઇતરેતરાશ્રય' દોષ આવે છે. કારણ કે પ્રમાણના લક્ષણથી પ્રમાણનો નિશ્ચય અને પ્રમાણનિશ્ચયથી પ્રમાણના લક્ષણનો નિશ્ચય - આ રીતે એકબીજાના નિશ્ચયથી એકબીજાનો નિશ્ચય કરવામાં ઇતરેતરાશ્રય દોષ આવે છે. તેના પરિહાર માટે એમ કહેવામાં આવે કે
પ્રમાણના લક્ષણનો નિશ્ચય; તે પ્રમાણથી બીજા પ્રમાણ વડે થાય છે.' તો અનવસ્થાદોષનો પ્રસંગ આવશે. કારણ કે પ્રમાણલક્ષણના નિશ્ચાયક પ્રમાણના નિશ્ચય માટે પ્રમાણમાંતરની અપેક્ષાનો અંત નહીં આવે. પૂર્વ પૂર્વ પ્રમાણના નિશ્ચય માટે ઉત્તરોત્તર પ્રમાણની અપેક્ષા અવિરતપણે ચાલ્યા કરશે, તેનો વિરામ નહિ થાય.
એ અનવસ્થાનો પરિહાર કરવા માટે એમ જણાવવામાં આવે કે પ્રમાણના નિશ્ચય માટે પ્રમાણના લક્ષણનો ઉપયોગ છે. પરંતુ પ્રમાણના લક્ષણના નિશ્ચય માટે પ્રમાણમાંતરની અપેક્ષા નથી. અર્થાત્ પ્રમાણાંતરથી અનિશ્ચિત લક્ષણ(પ્રમાણલક્ષણ) જ પ્રમાણનો નિશ્ચય કરાવે છે. તેથી સ્વતઃ નિશ્ચિત પ્રમાણના લક્ષણના નિશ્ચય માટે પ્રમાણાંતરની અપેક્ષા ન હોવાથી અનવસ્થાનો પ્રસંગ આવતો નથી. પરંતુ આ પ્રમાણે કહેવાનું બરાબર નથી. તે જણાવતાં શ્લોકના છેલ્લા પાદમાં જણાવ્યું છે કે – અનિશ્ચિત (પ્રમાણાંતરથી અનિશ્ચિત) એવા લક્ષણથી જ પ્રમાણની સિદ્ધિ થતી હોય તો પ્રમાણથી અન્ય (લક્ષણાદિ) દ્વારા અનિશ્ચિત પ્રમાણથી ધર્મસાધનભૂત અહિંસાદિ સ્વરૂપ અર્થની સિદ્ધિ થઈ શકે છે. તેથી પ્રમાણલક્ષણાદિનો કોઈ ઉપયોગ નથી.
ઉપર જણાવેલી વાત અંગે શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ શ્રી અષ્ટક પ્રકરણમાં ફરમાવ્યું છે કે પ્રમાણનું લક્ષણ પ્રમાણથી નિશ્ચિત કરીને જણાવાય છે કે નિશ્ચિત કર્યા વિના જણાવાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રથમ પક્ષનો સ્વીકાર કરવામાં આવે તો ઉપર જણાવ્યા મુજબ ઇતરેતરાશ્રય અથવા અનવસ્થા દોષનો પ્રસંગ આવશે. અને બીજા પક્ષનો સ્વીકાર કરવામાં આવે તો જે પોતે જ લક્ષણથી લક્ષિત (વિનિશ્ચિત) નથી એવા પ્રમાણથી પ્રમાણના લક્ષણનો વિનિશ્ચય ન્યાયસંગત (યુક્તિયુક્ત) કઈ રીતે બને ? આમ છતાં પ્રમાણના લક્ષણનો તેવા (અલક્ષિત) પ્રમાણથી વિનિશ્ચય થતો હોય તો પ્રમાણના લક્ષણના વચનનું શું પ્રયોજન
એક પરિશીલન
૧૩