Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Prankunvarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
આગમોમાં છે. પ્રાચીન આગમોમાં પ્રમાણની અપેક્ષાએ જ્ઞાનનું જ વર્ણન અધિક વ્યાપકતાથી કર્યું છે. નંદીસૂત્રમાં જ્ઞાનનું વિસ્તારથી નિરૂપણ કર્યું છે. પ્રમાણ અને જ્ઞાન કોઈ પણ વસ્તુને જાણવા માટે સાધન છે. જ્ઞાનના મુખ્ય પાંચ ભેદ છે– મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ અને કેવળ. જ્ઞાન ચર્ચાના વિકાસક્રમને આગળ આધાર પર જોવું હોય તો તેની ત્રણ ભૂમિકાઓ સ્પષ્ટ દેખાય છે– પ્રથમ ભૂમિકા એ છે કે જેમાં જ્ઞાનને પાંચ ભેદોમાં વિભક્ત કરેલ છે. દ્વિતીય ભૂમિકામાં જ્ઞાનને પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બે ભેદમાં વિભક્ત કરીને પાંચ જ્ઞાનમાંથી મતિ અને શ્રુતને પરોક્ષમાં અને અવધિ, મન:પર્યાય અને કેવળને પ્રત્યક્ષ કહેલ છે. તૃતીય ભૂમિકામાં ઈન્દ્રિયજન્ય જ્ઞાનને પ્રત્યક્ષ અને પરોક્ષ ઉભયમાં સ્થાન આપેલ છે. આ પ્રમાણે જ્ઞાનનું સ્વરૂપ અને તેના ભેદ તથા ઉપભેદનાં કારણે જ્ઞાનના વર્ણને આગમોમાં પર્યાપ્ત સ્થાન ગ્રહણ કરેલ છે.
પાંચ-જ્ઞાન ચર્ચાના ક્રમિક વિકાસની ત્રણે ય આગમિક ભૂમિકાઓની એક વિશેષતા રહી છે કે એમાં જ્ઞાનચર્ચાની સાથે ઈતર દર્શનોમાં પ્રચલિત પ્રમાણની ચર્ચાનો કોઈ સંબંધ અથવા સમન્વય સ્થાપિત કર્યો નથી. આ જ્ઞાનોમાં જ સમ્યકત્વ અને મિથ્યાત્વના ભેદ દ્વારા આગમકારોએ પ્રયોજન સિદ્ધ કરેલ છે અને પ્રમાણ અથવા અપ્રમાણ જેવા વિશેષણો આપ્યા વિના જ પ્રથમના ત્રણે ય જ્ઞાનમાં અજ્ઞાન-વિપર્યય મિથ્યાત્વની તથા સમ્યકત્વની સંભાવના સ્વીકારેલ છે. પાંચ જ્ઞાનમાંથી અંતિમના બે જ્ઞાનમાં એકાંત સમ્યકત્વ જ બતાવ્યું છે. એ રીતે આગમકારોએ પાંચ જ્ઞાનોનું પ્રમાણ અને અપ્રમાણ દેખાડ્યા વગર જ તે વિશેષણોનું પ્રયોજન બીજી રીતે નિષ્પન્ન કરી લીધું છે. જ્ઞાનનું વર્ણન આગમોમાં અત્યંત વિસ્તૃત છે.
પ્રમાણના વિષયમાં મૂળ આગમોમાં અને તેના વ્યાકરણ સાહિત્યમાં પણ અતિ વિસ્તારથી નહીં પણ સંક્ષેપમાં પ્રમાણની ચર્ચા તેમજ પ્રમાણના ભેદો અને ઉપભેદોનું કથન અનેક સ્થાનો પર આવે છે. જૈન આગમોમાં પ્રમાણ–ચર્ચા, જ્ઞાન ચર્ચાથી સ્વતંત્ર રૂપે પણ આવે છે. અનુયોગદ્વાર સૂત્રમાં પ્રમાણ શબ્દના વિસ્તારથી ભેદ પ્રભેદ કરવામાં આવ્યા છે. અનુયોગદ્વાર સૂત્ર અથવા નંદી સૂત્રના વર્ણન પ્રમાણે પ્રમાણના બે ભેદ થાય છે– ઈન્દ્રિય પ્રત્યક્ષ અને નોઈન્દ્રિયપ્રત્યક્ષ. ઈન્દ્રિય પ્રત્યક્ષમાં પાંચ ઈન્દ્રિયો દ્વારા થનારા પાંચ પ્રકારના પ્રત્યક્ષનો સમાવેશ છે અને નોઈદ્રિય પ્રત્યક્ષ પ્રમાણમાં ત્રણ જ્ઞાનોનો સમાવેશ કરેલો છે. અવધિપ્રત્યક્ષ, મનઃપર્યાયપ્રત્યક્ષ અને કેવળપ્રત્યક્ષ. "નો" શબ્દનો અર્થ છે ઈન્દ્રિયનો અભાવ. આ ત્રણે ય જ્ઞાનો ઈન્દ્રિયજન્ય નથી. એ જ્ઞાન કેવળ
|
O),
42