Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Prankunvarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
મતિજ્ઞાન
૧૭૩.
પરાણે લઈ લેવાનો તેણે નિશ્ચય કર્યો. વિહલ્લકુમારને જાણવા મળ્યું કે કુણિકરાજા મારી પાસેથી હાથી અને હાર પડાવી લેશે, માટે મારે અહીં રહેવું નથી. એમ વિચારીને તે પોતાની રાણીઓ સાથે હાથી અને હાર લઈને પોતાના નાના(દાદા) ચેડા રાજાની પાસે વિશાલા નગરીમાં ચાલ્યો ગયો.
રાજા કુણિકને આ વાતની ખબર પડી તેથી તેને ખૂબ જ ક્રોધ આવ્યો અને ચેડા રાજાને તેણે એક દૂત દ્વારા સંદેશો મોકલ્યો- રાજ્યની શ્રેષ્ઠ વસ્તુઓ રાજાની જ હોય છે માટે હાથી અને હાર સાથે વિહલ્લકુમારને આપ અહીં મોકલી આપો નહિતર યુદ્ધ માટે તૈયાર થઈ જાઓ.
કુણિકનો સંદેશો ચેડા રાજાને દૂત દ્વારા મળ્યો. તેનો જવાબ ચેડા રાજાએ આવનાર દૂત દ્વારા કહેવડાવ્યો-જેવી રીતે રાજા શ્રેણિક અને ચેલણાનો પુત્ર કણિક મારો દોહિત્ર છે, એવી જ રીતે વિહલ્લકુમાર પણ મારો દોહિત્ર છે. વિહલ્લકુમારને શ્રેણિક રાજાએ પોતાની હૈયાતીમાં જ પોતાના હાથે એ બે ચીજ આપેલ છે માટે એ બે ચીજનો અધિકાર એનો છે. તો પણ કુણિક આ બે ચીજ વિહલ્લકુમાર પાસેથી પડાવી લેવા માંગતો હોય તો તું તારા રાજાને કહેજે પહેલા એ વિહલ્લકુમારને અર્ધ રાજ્ય આપી દે અને જો એને એમ ન કરવું હોય તો યુદ્ધ કરવા માટે હું પણ તૈયાર છું.
ચેડા રાજાનો સંદેશો દૂતે ત્યાં જઈને કણિક રાજાને અથ થી ઈતિ સુધી સંભળાવી દીધો. સંદેશ સાંભળીને કુણિકને બહુ ક્રોધ આવ્યો. તેણે યુદ્ધ કરવાનો નિશ્ચય કરી લીધો. પોતાના અન્ય ભાઈઓની સાથે વિશાળ સૈન્યદળ લઈને તે વિશાલા નગરી પર ચડાઈ કરવા માટે રવાના થયો. ચેડા રાજાએ પણ કેટલાક અન્ય ગણ–રાજાઓને સાથે લઈને કણિકનો સામનો કરવા માટે યુદ્ધના મેદાન તરફ પ્રયાણ કર્યું. બન્ને પક્ષો વચ્ચે ભીષણ યુદ્ધ થયું અને લાખો માણસોનો સંહાર થયો. એ યુદ્ધમાં ચેડા રાજા પરાજિત થયા. તે પાછા ફરીને વિશાલા નગરીમાં આવી ગયા. એ નગરીના વિશાળ કિલ્લાના બધા દરવાજાઓ બંધ કરાવી દીધા. કુણિકે કિલ્લાને ચારે બાજુથી તોડવાની કોશિષ કરી પણ સફળતા ન મળી. એટલામાં આકાશવાણી થઈ, " જો કુળબાલક સાધુ માગધિકા વેશ્યાની સાથે રમણ કરશે તો કણિક વિશાલા નગરીનો કોટ તોડીને તેના પર પોતાનો અધિકાર જમાવી શકશે."
કણિક આકાશવાણી સાંભળીને આશ્ચર્યચકિત બની ગયો. તેને આકાશવાણી પર વિશ્વાસ બેસી ગયો. તેણે એ જ સમયે માગધિકા ગણિકાને પોતાની પાસે લઈ આવવા માટે રાજસેવકોને દોડાવ્યા. તેઓ માગધિકા વેશ્યા પાસે ગયા અને કહ્યું- મહારાજા આપને બોલાવે છે. માગધિકા વેશ્યા તરત જ રાજા પાસે આવી. રાજાએ માગધિકાને કહ્યું- તારે એક કામ કરવાનું છે. કૂળબાલક સાધુ ગમે ત્યાં વન વગડામાં હોય ત્યાં જઈને તારે તેને ચલિત કરીને મારી પાસે લઈ આવવાના છે. માગધિકાએ રાજાની આજ્ઞા શિરોધાર્ય કરી અને ત્યાંથી તેણી કૂળબાલક મુનિની શોધમાં નીકળી ગઈ.
કૂળબાલક એક મહાક્રોધી અને દુષ્ટ સાધુ હતો. જ્યારે તે પોતાના ગુરુની સાથે રહેતો હતો ત્યારે ગુરુની હિતકારી શિક્ષાનો પણ ઉલટો અર્થ કરીને તેના પર પણ ક્રોધ કરતો હતો. એક વાર તે પોતાના ગુરુની સાથે કોઈ પહાડી માર્ગ પર જઈ રહ્યો હતો. રસ્તામાં ચાલતાં ચાલતાં તેને કોઈ એક કારણે ક્રોધ આવ્યો. ક્રોધ આવ્યો કે તરત જ તેણે પોતાના ગુરુને મારી નાંખવા માટે એક વજનદાર મોટો પત્થર ગુરુ પર