Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Prankunvarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ ૧૭૨ ]
શ્રી નંદી સૂત્ર
પંદર દિવસનું અનશનવ્રત પૂર્ણ કરીને, આયુષ્ય પૂર્ણ થતાં તે સહસાર નામના આઠમા દેવલોકમાં ઉત્પન્ન થયો. ભગવાન મહાવીર સ્વામીના અલૌકિક રક્તનો આસ્વાદન કરીને ચંડકૌશિક સર્વે પ્રભુના ઉપદેશથી અનશન વ્રત ગ્રહણ કરી પોતાનો જન્મ સફળ કર્યો. આ ઉદાહરણ ચંડકૌશિક સર્પની પારિણામિકી બુદ્ધિનું છે. (૨૦) ગેંડો -એક ગામમાં એક માણસે યુવાવસ્થામાં શ્રાવકના વ્રતોને ધારણ કર્યા પરંતુ તે સમ્યક પ્રકારે વ્રતોનું પાલન ન કરી શક્યો. અમુક સમય બાદ તે રોગગ્રસ્ત બની ગયો. ભયંકર બીમારીના કારણે ભંગ કરેલા વ્રતોની તે આલોચના ન કરી શક્યો. એ જ દર્દમાં તેનું મૃત્યુ થયું. ધર્મથી પતિત થવાના કારણે એક જંગલમાં તે ગેંડા રૂપે ઉત્પન્ન થયો. પોતાના ક્રૂર પરિણામના કારણે તે જંગલી જનાવરોને મારી નાખવા લાગ્યો. ધીરે ધીરે એ રસ્તા પર આવતાં જાતાં મનુષ્યને પણ મારી નાંખતો હતો.
એક વાર જૈન મુનિઓ એ જંગલમાંથી વિહાર કરીને જઈ રહ્યા હતા. ગેંડાએ જેવા એ મુનિને જોયા કે તરત જ ક્રોધથી ધમધમાયમાન થઈને મુનિઓને મારવા માટે દોડ્યો પરંતુ મુનિઓના તપ, વ્રત અને અહિંસા આદિ ધર્મના પ્રભાવે ગેંડો ત્યાં સુધી પહોંચી શક્યો નહીં અને પોતાના કાર્યમાં તે અસફળ રહ્યો. ગેંડો વિચારવા લાગ્યો- આજ સુધીમાં હું દરેક કાર્યમાં સફળ જ થયો છું. આજે હું શા માટે અસફળ થયો? તેનું કારણ તે શોધવા લાગ્યો. ધીરે ધીરે તેનો ક્રોધ શાંત પડ્યો અને તેને જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમથી જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. જ્ઞાનના પ્રભાવે તેણે પોતાનો પૂર્વભવ જોયો. પોતે કરેલા વ્રતોનો ભંગ જાણીને તેણે ખૂબ જ પશ્ચાત્તાપ કર્યો અને એ જ સમયે તેણે અનશનવ્રતનો સ્વીકાર કર્યો. આયુષ્ય પૂર્ણ કરીને તે દેવલોકમાં ઉત્પન્ન થયો. આ તેની પારિણામિકી બુદ્ધિનું ઉદાહરણ છે.
(૨૧) સૂપ-બેત્ર - રાજા કણિક અને વિહલ્લકુમાર બન્ને રાજા શ્રેણિકના જ પુત્રો હતા. શ્રેણિકે પોતાના જીવનકાળમાં જ (દેવતાઈ) સિંચાનક હાથી અને (દેવદાઈ) વંકચૂડ હાર બન્ને વિહલ્લકુમારને આપી દીધા હતા અને કુણિક રાજા બન્યો હતો. વિહલ્લકુમાર પ્રતિદિન પોતાની રાણીઓની સાથે હાથી પર બેસીને જળક્રીડા કરવા માટે ગંગાનદીના કિનારા પર જતા હતા. હાથી રાણીઓને પોતાની સૂંઢ વડે ઉપાડીને વિવિધ પ્રકારે તેને મનોરંજન કરાવતો હતો. વિહલકુમાર તથા તેની રાણીઓની મનોરંજક ક્રિીડાઓ જોઈને નગરજનો તેની ખૂબ પ્રશંસા કરતા હતા અને કહેતા હતા કે રાજ્ય લક્ષ્મીનો સાચો ઉપભોગ તો વિહલકુમાર જ કરે છે.
રાજા કુણિકની રાણી પદ્માવતીના મનમાં આ બધી વાતો સાંભળીને ઈર્ષ્યા થતી હતી. તે વિચારતી હતી કે મહારાણી હું છું છતાં મારા કરતા સવિશેષ સુખ વિહલ્લકુમારની રાણીઓ ભોગવે છે. એક દિવસ પદ્માવતીએ પોતાના પતિદેવ રાજા કણિકને કહ્યું, જો સિંચાનક હાથી અને વંકચૂડ હાર મારી પાસે ન હોય તો હું મહારાણી કેવી રીતે કહેવડાવી શકું? મારે એ બન્ને વસ્તુ જોઈએ છે." કણિકે પહેલા તો પદ્માવતીની વાત પર ધ્યાન આપ્યું નહીં પરંતુ રાણીના અતિ આગ્રહથી કણિકે વિહલકુમારને કહ્યું – તું મને હાથી અને હાર આપી દે. વિહલ્લકુમારે કહ્યું– "જો આપ હાથી અને હાર લેવા ઈચ્છતા હો તો મારા ભાગનો રાજ્યનો હિસ્સો મને આપો." કુણિક એ બાબતે તૈયાર ન થયો પણ હાથી અને હાર વિહલ્લકુમાર પાસેથી