Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Prankunvarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
દ્વાદશાંગ પરિચય
| ૨૪૭ |
અંગની અપેક્ષાએ આ સાતમું અંગ સૂત્ર છે. તેમાં એક શ્રુતસ્કંધ, દસ અધ્યયન, દસ ઉદ્દેશનકાળ દસ સમુદ્રેશનકાળ છે. પદ પરિમાણથી સંખ્યાત હજાર પદ , સંખ્યાત અક્ષર, અનંત ગમ, અનંત જ્ઞાનના પર્યવ, પરિમિત ત્રસ, અનંત સ્થાવર અને શાશ્વત-કૃત, નિબદ્ધ, નિકાચિત, જિન પ્રરૂપિત ભાવોનું કથન, પ્રરૂપણ, દર્શન, નિદર્શન અને ઉપદર્શનથી કર્યું છે.
આ આગમનું સભ્યપ્રકારે અધ્યયન કરનાર તદાત્મરૂપ, જ્ઞાતા અને વિજ્ઞાતા બની જાય છે અથવા આ પ્રકારે ઉપાસકદશાંગ સૂત્રનું સ્વરૂપ છે, તેમજ વિખ્યાત અને વિજ્ઞાત છે તથા આમાં ચરણ-કરણની વિશિષ્ટ પ્રરૂપણા કરેલ છે. આ પ્રમાણે ઉપાસકદશાંગ સૂત્રનું વર્ણન છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સાતમા અંગ ઉપાસકદશાંગસૂત્રનો સંક્ષિપ્ત પરિચય આપેલ છે. શ્રમણ અર્થાત્ સાધુઓની સેવા કરનારને શ્રમણોપાસક કહેવાય છે. તેને જ ઉપાસક અથવા શ્રાવક પણ કહેવાય છે. દસ અધ્યયનોના સંગ્રહને દશા કહેવાય છે આ સૂત્રમાં શ્રમણ ભગવાન મહાવીરના દસ વિશિષ્ટ શ્રાવકોનું વર્ણન હોવાથી તેનું નામ ઉપાસકદશા છે. આ સૂત્રના દસ અધ્યયન પૈકી પ્રત્યેક અધ્યયનમાં એક એક શ્રાવકના લૌકિક અને લોકોત્તર વૈભવનું વર્ણન તથા ઉપાસકોના અણુવ્રત અને શિક્ષાવ્રતનું સ્વરૂપ પણ બતાવ્યું છે.
અહીં પ્રશ્ન થાય છે કે– ભગવાન મહાવીરને તો એક લાખ ઓગણસાઠ હજાર(૧,૫૯,૦૦૦) બાર વ્રતધારી શ્રાવક હતા. તો પછી ફક્ત દસ શ્રાવકોનું વર્ણન કેમ કરેલ છે? તેનો ઉત્તર આ પ્રમાણે છે– સૂત્રકારોએ જે શ્રાવકોના લૌકિક અને લોકોત્તરિક જીવનમાં સમાનતા જોઈ તેઓનો જ ઉલ્લેખ આ સૂત્રમાં કરેલ છે. જેમ કે– (૧) ઉપાસકદશાંગમાં બતાવેલા દસે શ્રાવકો કરોડાધિપતિ હતા. (૨) તેઓ રાજા અને પ્રજાને પ્રિય હતા. (૩) દરેકની પાસે પાંચસો હળની જમીન હતી, વિશાળ પશુધન હતું. (૪) તેઓએ વ્યાપારમાં જેટલા કરોડ દ્રવ્ય રોકેલા હતા એટલા જ કરોડ ઘરમાં અને એટલા જ કરોડ નિધાનમાં રાખેલા હતા. (૫) દસે ય શ્રાવકોએ ભગવાન મહાવીરના પ્રથમ ઉપદેશથી જ પ્રભાવિત થઈને બાર વ્રત ધારણ કર્યા હતા. (૬) વ્રત ગ્રહણ કર્યા પછી પંદરમા વર્ષથી દરેકે વ્યાપારથી અલગ થઈને પૌષધશાળામાં રહીને ધર્મ આરાધના કરી હતી. (૭) દરેકે અગિયાર પ્રતિમાઓને ધારણ કરી હતી. (૮) તે દરેકનો એક મહીને સંથારો સીઝયો હતો. (૯) તે દરેક શ્રાવકો પહેલા દેવલોકના દેવ બન્યા છે. (૧૦) તે દરેકની દેવલોકમાં ચાર પલ્યોપમની સ્થિતિ હતી. (૧૧) તેઓ દરેક મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈને નિર્વાણપદ પ્રાપ્ત કરશે. (૧૨) તે દરેકને પોતાના આયુષ્યના ૨૦ વર્ષ શેષ રહેવા પર જ ધર્મની લગની લાગી ઈત્યાદિ અનેક દષ્ટિઓથી તેઓના જીવન સમાન હોવાથી તે દસ શ્રાવકોનું જ આ અંગમાં વર્ણન કરેલ છે.
(૮) અંતકૃતદશાંગસૂત્ર :
८ से किं तं अंतगडदसाओ ? अंतगडदसासु णं अंतगडाणं णगराई, उज्जाणाई, चेइयाई, वणसंडाई, समोसरणाई, रायाणो, अम्मापियरो,