Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Prankunvarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
મતિજ્ઞાન
૧૧૫
પ્રયત્ન કરવા લાગ્યો. થોડા દિવસોમાં કૂકડો પોતાના પ્રતિબિંબની સાથે લડાઈ કરતા શીખી ગયો.
થોડા દિવસો બાદ ગ્રામીણ લોકોએ તે કૂકડાને રાજાને સોંપી દીધો અને આ કૂકડો એકલો લડી શકે છે તેની વિગત બતાવી. રાજા એકલા કૂકડાને અરીસા સાથે લડતો જોઈ ખૂબ જ ખુશ થયા અને રોહકની બુદ્ધિ પર અતિ પ્રસન્ન થયા.
(૫) તલ :– અન્ય કેટલાક દિવસો પછી ફરી રાજાને રોહકની બુદ્ધિની પરીક્ષા કરવાનું મન થયું. રોહકના ગામના લોકોને રાજાએ પોતાના દરબારમાં બોલાવ્યા અને કહ્યું– તમારી સામે જ તલનો ઢગલો છે તેને ગણ્યા વગર બતાવો કે આ ઢગલામાં કેટલા તલ છે ? અને સંખ્યા બતાવવામાં બહુ વિલંબ કરવો નહીં.
રાજાની વાત સાંભળીને ગ્રામીણ લોકો કિંકર્તવ્યમૂઢ બનીને રોહકની પાસે આવ્યા અને રાજાની આજ્ઞા વિષેનો સર્વ વૃતાંત કહી સંભળાવ્યો. રોહકે કહ્યું- તમે રાજાની પાસે જઈને કહો રાજ ! અમે ગણિત શાસ્ત્રી તો નથી છતાં આપની આજ્ઞા શિરોમાન્ય કરીને આ મહારાશિમાં તલની સંખ્યા કેટલી છે તે અમે આપને ઉપમા દ્વારા બતાવીશું. આ ઉજ્જયિની નગરીની ઉપર આકાશમાં જેટલા તારા છે એટલી જ સંખ્યા આ ઢગલામાં તલોની છે.
ગ્રામીણજનો હર્ષાન્વિત થઈને રાજાની પાસે ગયા અને ત્યાં જઈને રોહકના કહેવા મુજબ તલ વિષે બધી વાત કહી સંભળાવી. રાજાજી રોહકની બુદ્ધિ જોઈને મનમાં અતિ ખુશ થયા.
(૬) રેતી :– કોઈ એક દિવસ રાજાએ ફરી રોહકની પરીક્ષા કરવા માટે ગ્રામીણ લોકોને આદેશ આપ્યો કે તમારા ગામની આસપાસ બહુ કિંમતી રેતી છે તેનું એક દોરડું બનાવીને મોકલો.
બિચારા નટ લોકો ગભરાયા કે રેતીનું દોરડું વણી કેમ શકાય ? તેઓ રોહકની પાસે ગયા અને રાજાનો આદેશ કહી સંભળાવ્યો. રોહકે ગ્રામીણવાસીઓને કહ્યું તમે રાજાની પાસે જઈને કહો અમે સર્વ નટ છીએ તેથી નૃત્ય કળા તથા વાંસ પર નાચવાનું જાણીએ છીએ. દોરડું બનાવવાનો ધંધો અમારો નથી તો પણ આપશ્રીનો આદેશ છે, તેનું પાલન કરવું એ અમારું કર્તવ્ય છે.
અમારી આપને એક નમ્ર પ્રાર્થના છે. જો આપના ભંડારમાંથી અથવા અજાયબ ઘરમાંથી નમૂનારૂપે રેતીનું જૂનું દોરડું હોય તો તે આપો. અમે એ નમૂનો જોઈને રેતીનું દોરડું બનાવીશુ અને આપની સેવામાં મોકલી આપશું.
ગ્રામીણ લોકો રાજાની પાસે ગયા. ત્યાં જઈને નમ્રતાપૂર્વક રોહકે જેમ કહ્યું હતું એમ જ કહ્યું અર્થાત્ રેતીના દોરડાનો કોઈ નમૂનો હોય તો આપવાની માગણી કરી. રોકની ચમત્કારયુક્ત બુદ્ધિ જોઈને રાજા નિરુત્તર બની ગયા.
(૭) હાથી :– કોઈ એક દિવસે રાજાએ ફરી રોહકની પરીક્ષા માટે ગ્રામીણ લોકો પાસે એક વૃદ્ધ મરણાસન્ન હાથી મોકલ્યો અને કહેવડાવ્યું કે આ હાથીની બરાબર સેવા કરો અને પ્રતિદિન તેના સમાચાર મને