Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Prankunvarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૧૨૪]
શ્રી નંદી સૂત્ર
એક દિવસ તે કોઈ વૈધની પાસે ગયો અને કહ્યું – મારું સ્વાથ્ય દિનપ્રતિદિન બગડી રહ્યું છે. આપ એનો ઉપાય બતાવો જેથી હું સ્વસ્થ બની જાઉં. વૈદરાજે તેની નાડી તપાસી, દરેક રીતે તેના શરીરને તપાસ્યું પરંતુ કોઈ બીમારી પ્રતીત ન થઈ. પછી વૈદરાજે પેલા માણસને પૂછ્યું- તમને આ બીમારી
ક્યારથી લાગુ પડી છે? તેણે પહેલેથી છેલ્લે સુધી બધી વાત કરી. વૈદરાજે જાણી લીધું કે આ માણસની બીમારીનું કારણ ભ્રમ છે છતાં વૈદરાજે રોગીને કહ્યું– તમારી બિમારીનું કારણ હું સમજી ગયો છું.
વૈદરાજની બુદ્ધિ ઔત્પાતિકી હતી તેથી તેણે તે વ્યક્તિના રોગનો ઈલાજ તરત જ શોધી કાઢ્યો. વિદરાજે ક્યાંકથી એક કાકીડો મંગાવ્યો. તેને લાક્ષારસથી અલિપ્ત કરીને એક માટીના વાસણમાં નાંખી દીધો. ત્યાર બાદ રોગીને વિરેચની ઔષધિ આપી પછી તેણે રોગીને કહ્યું – તમારે આ માટીના વાસણમાં શૌચ જવાનું છે. પેલા માણસે તેમજ કર્યું. વૈદરાજ તે માટીના વાસણને પ્રકાશમાં લાવ્યા પછી તેણે કહ્યું– "જુઓ ભાઈ! તમારા પેટમાંથી આ કાકીડો નીકળી ગયો. પેલા માણસને સંતોષ થઈ ગયો કે મારા પેટમાં કાકીડો પ્રવેશ કરી ગયો હતો એટલે જ હું બીમાર રહેતો હતો પણ વૈદરાજ હોંશિયાર છે. તેણે કાકીડો કાઢી આપ્યો. હવે આજથી મારી બીમારી ગઈ. પછી તે શીધ્ર સ્વસ્થ અને નીરોગી બની ગયો. (૭) કાક:- બેનાતટ નગરમાં ભિક્ષા લેવા માટે નીકળેલા જૈનમુનિનો બૌદ્ધ ભિક્ષુએ ઉપહાસ કરતા કહ્યું– મુનિરાજ ! તમારા અરિહંત સર્વજ્ઞ છે અને તમે એના સંતાન છો તો બતાવો આ નગરમાં કાગડા કેટલા છે?
જૈન મુનિ બૌદ્ધ ભિક્ષુની ધૂર્તતા સમજી ગયા. તેને શિક્ષા દેવા માટે પોતાની ઓત્પાતિકી બુદ્ધિનો પ્રયોગ કરતા કહ્યું– ભિક્ષુરાજ ! આ નગરમાં સાઠ હજાર કાગડાઓ છે. તમે ગણી લો. જો ઓછા હોય તો સમજજો કે તેઓ બહારગામ મહેમાન થઈને ગયા છે અને જો અધિક હોય તો સમજજો કે બહારગામથી મહેમાન થઈને અહીં આવ્યા છે. જૈન મુનિની બુદ્ધિમત્તા જોઈને બૌદ્ધ ભિક્ષુ શરમાઈને ત્યાંથી ચાલ્યા ગયા. (૮) ઉચ્ચાર–મલ પરીક્ષા - એક વાર એક માણસ પોતાની નવપરણેતર સુંદર પત્નીની સાથે કોઈ સ્થળે જઈ રહ્યો હતો. રસ્તામાં તેને એક ધૂર્ત મળ્યો. તેની સાથે વાર્તાલાપ કરતાં કરતાં નવવધૂ તે ધૂર્ત પર આસક્ત થઈ ગઈ અને તેની સાથે જવા માટે તૈયાર થઈ ગઈ. ધૂર્ત કહેવા લાગ્યો કે આ મારી સ્ત્રી છે. પછી બંનેનો ઝગડો શરૂ થઈ ગયો. અંતમાં વિવાદ કરતાં કરતાં તેઓ ન્યાયાલયમાં પહોંચી ગયા. ન્યાયાધીશની પાસે જઈને જેની પત્ની હતી તેણે કહ્યું કે આ મારી સ્ત્રી છે. પેલા ધૂર્તે કહ્યું કે આ મારી સ્ત્રી છે.
બન્ને જણા પેલી સ્ત્રી પર પોતાનો અધિકાર બતાવી રહ્યા હતા. બન્નેની વાત સાંભળીને ન્યાયાધીશે. સૌ પ્રથમ ત્રણેયને અલગ અલગ રાખી દીધા. ત્યાર બાદ જેની સ્ત્રી હતી તેને ન્યાયાધીશે પૂછયું– કાલે તમે શું ખાધું હતું? પેલી સ્ત્રીના પતિએ કહ્યું–કાલે અને મારી પત્ની બન્નેએ તલનો લાડવો ખાધો હતો. પછી ન્યાયાધીશે ધૂર્તને પૂછ્યું– કાલે તેં શું ખાધું હતું? તેણે કહ્યું– કાલે મેં જુદી જુદી વાનગી તલ વગેરે ખાધી હતી.